'મેનેજમેન્ટ પાસે જઈએ, તો અમને હડધૂત કરીને કાઢી મૂકે છે':વડોદરામાં MGVCLના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી

Gujarat5/25/2026, 11:47:23 AM
'મેનેજમેન્ટ પાસે જઈએ, તો અમને હડધૂત કરીને કાઢી મૂકે છે':વડોદરામાં MGVCLના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી
વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના મેનેજમેન્ટ સામે કર્મચારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ યોજાયેલા આંદોલનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને એન્જિનિયરો જોડાયા હતા. વડોદરાના રેસકોર્સ સ્થિત MGVCL કોર્પોરેટ કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તથા GEB એન્જિનિયર્સ એસોસિએશન પણ જોડાયા હતાં. મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં વિરોધ કાર્યક્રમો યોજાયા હતાં કર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટને અગાઉ પાઠવવામાં આવેલી આંદોલન નોટિસના સંદર્ભમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વિરોધ પ્રદર્શનમાં અંદાજે 700 જેટલા એન્જિનિયર અને 4500થી વધુ કર્મચારીઓ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. માત્ર વડોદરા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં પણ વિરોધ કાર્યક્રમો યોજાયા હતાં. 128 પેટા સબ ડિવિઝન, 18 ડિવિઝન અને પાંચ વર્તુળ કચેરીઓ ખાતે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને મેનેજમેન્ટ વિરુદ્ધ કાળી પટ્ટી પહેરી નારેબાજી કરી હતી. ‘એક મહિનાથી અમે અમારા વિવિધ પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છીએ’ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના એડિશનલ સેક્રેટરી જનરલ હિમાંશુ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં GEB એન્જિનિયર્સ એસોસિએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એમ બે મોટા યુનિયનો કાર્યરત છે. છેલ્લા એક મહિનાથી અમે અમારા વિવિધ પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છીએ અને 25 દિવસ પહેલા જ અમે આ આંદોલનની નોટિસ પણ આપી દીધી હતી. ‘મેનેજમેન્ટે કોઈ હકારાત્મક વલણ કે વચન આપ્યું નથી’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા લાઇન સ્ટાફ પાસે જે મેન્ટેનન્સની કામગીરી કરાવવાની હોય છે, તેના બદલે તેમની પાસેથી બીજી અલગ જ પ્રકારની કામગીરીઓ કરાવવામાં આવી રહી છે. કંપનીના રેવન્યુ સ્ટાફમાં જુનિયર આસિસ્ટન્ટની આશરે 500 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે અમે છેલ્લા બે વર્ષથી લડત આપી રહ્યા છીએ, પરંતુ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ હકારાત્મક વલણ કે વચન આપવામાં આવ્યું નથી. જ્યારે પણ અમે કર્મચારીઓના પ્રશ્નોને લઈને મેનેજમેન્ટ પાસે જઈએ છીએ, ત્યારે કોઈ અમારું સાંભળતું નથી. અમને હડધૂત કરીને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે. આ ત્રણ મુખ્ય મુદ્દાઓને કારણે જ અમે આ આંદોલનની શરૂઆત કરી છે. ‘આવનારા દિવસમાં આનાથી પણ વધુ ઉગ્ર અને મોટી લડત આપીશું’ તેઓએ ઉમેર્યું હતું કે, આ આંદોલનના પ્રથમ તબક્કાના ભાગરૂપે આજે અમે સૌએ કાળી પટ્ટી ધારણ કરી છે અને સૂત્રોચ્ચાર કરીને અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ. જો મેનેજમેન્ટ આગામી સમયમાં અમને મીટિંગ કે કોઈ પણ પ્રકારની ચર્ચા-વિચારણા માટે નહીં બોલાવે, તો આવનારા દિવસોમાં અમે આનાથી પણ વધુ ઉગ્ર અને મોટી લડત આપીશું.
Read Original Article →