સસરાનું નિધન થતાં ઉમેદવારી પરત ખેંચી:વોર્ડ 8 માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચૂંટણી નહીં લડે, ઋત્વિજ જોશીએ કહ્યું- અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરીશું

Gujarat4/7/2026, 10:27:40 AM
સસરાનું નિધન થતાં ઉમેદવારી પરત ખેંચી:વોર્ડ 8 માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચૂંટણી નહીં લડે, ઋત્વિજ જોશીએ કહ્યું- અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરીશું
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી જેમાં વોર્ડ 8માં મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા મહિલા ઉમેદવાર ઊર્મિલા પરમારના સસરાનું નિધન થતાં તેઓએ ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે અને આ અંગે શહેર પ્રમુખને લેખિત આપ્યું છે. યાદી જાહેર થયાના બે કલાક પહેલા જ સસરાનું નિધન કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં વોર્ડ 8માં મહિલા ઉમેદવાર તરીકે ઊર્મિલા પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ યાદી જાહેર થયાના બે કલાક પૂર્વે જ તેઓના સસરા કે જેઓ હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાના કારણે સારવાર લઈ રહ્યા હતા તેઓનું નિધન થયું હતું. જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. અંતિમ ક્રિયા દરમિયાન ચૂંટણી પ્રચાર ન થાય તેથી નિર્ણય હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૃત્યુના તેરમાં દિવસ સુધી અલગ અલગ વિધિ ચાલે છે જેના કારણે ઊર્મિલાબહેને તેઓના પરિવારમાં રહેવું અનિવાર્ય બન્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ પ્રચાર પણ ન કરી શકે તેના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ તેઓ માટે પરિવાર છે પરંતુ હાલમાં તેઓના પરિવારને તેઓની જરૂર છે જેથી તેઓની રજૂઆત અમે ધ્યાનમાં રાખી છે. તેઓના પરિવારમાંથી કોઈને ઉમેદવારી અપાશે શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ઉમેદવારે લેખિતમાં રજૂઆત કરી તેઓના પરિવારના જ કેટલાક સભ્યોના નામ આપ્યા છે તે અંગે ચર્ચા વિચારણા કરી નામ જાહેર કરવામાં આવશે. ઉર્મિલા પરમારના સસરા કરોડિયા ગામના સરપંચ રહી ચૂક્યા છે તેઓના પતિ પણ ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે, ત્યારે તેઓનો આખો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે, આ દુઃખદ સમયમાં કોંગ્રેસ પણ તેઓની સાથે છે એમ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું. આગામી એક બે દિવસમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે તેમાં તેઓના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરીશું.
Read Original Article →