સર્વર બંધ થતા કરદાતાઓ કલાકો સુધી અટવાયા:વડોદરા મનપાની એડવાન્સ વેરા યોજનાના પ્રથમ જ દિવસે સર્વર ઠપ્પ, અરજદારોમાં ભારે રોષ ફેલાયો
વડોદરા મહાનગરપાલિકાની એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના-2026-27નો પ્રારંભ થયો છે, પરંતુ પ્રથમ જ દિવસે ટેકનિકલ ખામી સર્જાતા સર્વર કલાકો સુધી ડાઉન રહ્યું હતું. પરિણામે વડોદરા શહેરની વિવિધ વોર્ડ કચેરીઓએ વેરો ભરવા પહોંચેલા કરદાતાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોવી પડતાં અનેક સ્થળોએ રોષ જોવા મળ્યો હતો. મનપાની એડવાન્સ વેરા યોજનાનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના હેઠળ રહેણાંક મિલકતો માટે 10 ટકા અને બિન-રહેણાંક મિલકતો માટે 5 ટકા વળતર જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન વેરાની ચુકવણી કરનાર કરદાતાઓને વધારાનું 1 ટકા વળતર પણ આપવામાં આવશે. તા. 10 જૂનથી 24 જુલાઈ સુધી અમલમાં રહેનારી આ યોજનાનો લાભ મિલકત વેરો તેમજ અગાઉની બાકી રકમ એડવાન્સમાં ભરનાર કરદાતાઓને મળશે. સર્વર બંધ થતા વેરા વસૂલાતની કામગીરી ખોરવાઈ
વેરા વળતર યોજનાના પ્રથમ દિવસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કરદાતાઓ વોર્ડ નં.1થી 19ની કચેરીઓએ પહોંચ્યા હતા. જોકે અચાનક સર્વર બંધ થઈ જતાં વેરા વસૂલાતની કામગીરી ખોરવાઈ ગઈ હતી. પરિણામે કરદાતાઓને કલાકો સુધી કચેરીઓમાં રાહ જોવી પડી હતી. જેના કારણે સિનિયર સિટીઝનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 'અમારે ક્યાં સુધી ધક્કા ખાવાના'
કરદાતાઓએ આક્ષેપ કર્યો હતો કે, સર્વર ક્યારે કાર્યરત થશે તે અંગે અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી. અમે કામધંધા છોડીને વેરો ભરવા આવ્યા હતા, પરંતુ સર્વર બંધ હોવાથી સમય અને ઇંધણ બંનેનો વ્યય થયો છે. અમારે ક્યાં સુધી ધક્કા ખાવાના, એ જ સમજાતું નથી.
Read Original Article →