ચોકલેટની કેબિનથી વડોદરા મેયર સુધીની સફર, બી.કોમ. LLBનો અભ્યાસ:ભાજપના જોડાયાના 2 વર્ષમાં જ મોટું પદ મળ્યું, પતિ 30 વર્ષથી ભાજપના કાર્યકર

Gujarat5/28/2026, 10:15:31 AM
ચોકલેટની કેબિનથી વડોદરા મેયર સુધીની સફર, બી.કોમ. LLBનો અભ્યાસ:ભાજપના જોડાયાના 2 વર્ષમાં જ મોટું પદ મળ્યું, પતિ 30 વર્ષથી ભાજપના કાર્યકર
વડોદરા મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મેયર તરીકે મહિલા કોર્પોરેટર ગીતા મકવાણા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ગીતા મકવાણા બે વર્ષ અગાઉ જ ભાજપમાં જોડાયા હતા. અને બાદમાં હવે તેઓને મેયર પદ મળ્યું છે. આગામી અઢી વર્ષ માટે તેઓ શહેરના પ્રથમ નાગરિક પદે બિરાજમાન રહેશે. સામાન્ય પરિવારમાંથી આવતા શિક્ષિત મહિલાને મોટી જવાબદારી વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર એસસી મહિલા ગીતાબેન મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એક સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. બે વર્ષ અગાઉ ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા બાદ પક્ષે તેઓને મોટી જવાબદારી આપી છે. તેઓના પરિવારમાં સાસુ, પતિ અને બે સંતાનો છે. B.Com અને LLB સુધીનો અભ્યાસ નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમણે B.Com અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. કાયદાના અભ્યાસના કારણે તેઓ વહીવટી પ્રક્રિયાઓ અને નગરપાલિકાના નિયમોને વધુ સારી રીતે સમજીને નગરજનોના પ્રશ્નોને વાચા આપશે તેવી આશા છે. વડોદરાને શિક્ષિત મેયર મળતા શહેરના વિકાસમાં પણ તેઓનું મહત્વનું યોગદાન રહે તેવી આશા સેવાઈ રહી છે. પતિ 30 વર્ષથી ભાજપના કાર્યકર તેમના પતિ ઉમેશભાઈ મકવાણા છેલ્લા 30 વર્ષથી ભાજપના સક્રિય અને વફાદાર કાર્યકર તરીકે પક્ષમાં સેવા આપી રહ્યા છે. પતિની આ લાંબી રાજકીય સફર અને પક્ષ પ્રત્યેની વફાદારીની હાઈકમાન્ડે યોગ્ય કદર કરી છે અને ગીતાબેનને મેયર જેવી મહત્વની જવાબદારી સોંપી છે. ચોકલેટ કેબિનથી મેયર પદ સુધીની સફર ગીતાબેન મકવાણાની જીવનશૈલી અત્યંત સાદી અને પ્રેરણાદાયી છે. તેઓ વ્યવસાયે પોતાના ઘરની બહાર એક નાની ચોકલેટ કેબિન ચલાવે છે. એક સામાન્ય કેબિન ચલાવતા મહિલા આજે વડોદરા જેવા કલાનગરી અને સંસ્કારી નગરીના મેયર પદ સુધી પહોંચ્યા છે. હંમેશા પોતાના પરિવારનું વિચારતા મેયર ગીતાબહેન હવે સમગ્ર શહેરની ચિંતા કરશે. સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી તેઓ શહેરના સામાન્ય નાગરિકોનું પણ વિચારશે તેવી આશા છે.
Read Original Article →