ગીતા મકવાણા બન્યા વડોદરાના મેયર:ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, જુઓ મનપાના મેયર-ડે.મેયર સહિતના પદાધિકારીઓનું ફોટો સાથેનું લિસ્ટ

Gujarat5/28/2026, 8:10:50 AM
ગીતા મકવાણા બન્યા વડોદરાના મેયર:ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, જુઓ મનપાના મેયર-ડે.મેયર સહિતના પદાધિકારીઓનું ફોટો સાથેનું લિસ્ટ
વડોદરા મહાનગરપાલિકાના મહત્વના હોદ્દાઓ માટે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મેયર તરીકે ગીતાબહેન મકવાણાની નિયુકિત કરવામાં આવી છે. શહેરના 31માં મેયર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. સામાન્ય સભામાં તમામ ચૂંટાયેલા સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા. 20 વર્ષ બાદ શહેરને એસ.સી મેયર મળ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસને બનાવવામાં આવ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે મેન્ડેડ આવ્યા બાદ નામોની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ કોર્પોરેશનના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સભ્યના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સભામાં તમામ સભાસદોએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રથમ સભામાં તમામ સભાસદોએ સાથે મળીને શહેરના વિકાસ કામોને આગળ ધપાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. નવા મેયર માટે ચોમાસું મોટો પડકાર વડોદરા શહેરમાં બે વર્ષ અગાઉ આવેલા પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. હવે જ્યારે ચોમાસુ નજીક છે ત્યારે પ્રિ મોનસુનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી એ પ્રાથમિકતા રહેશે. મેયર તરીકે ગીતા મકવાણાએ પદભાર સંભાળ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ થાય તે પ્રાથમિકતા રહેશે. વડોદરા શહેરના લોકોને કોઈ તકલીફ ન પડે તે બાબતને ધ્યાનમાં લેવામાં આવશે. શહેરમાં પાણીના પ્રશ્નને પ્રાધાન્ય આપવામાં આવશે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે, શહેરના વિકાસને આગળ ધપાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને પાણીના પ્રશ્ન બાબતે કામગીરી ચાલી જ રહી છે અને તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ ધપાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે અને આગામી સમયમાં તે હું મારા કામ થકી સાબિત કરી બતાવીશ. સામાન્ય સભા બાદ સ્થાયી સમિતિની બેઠક મળી સામાન્ય સભા બાદ સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં સ્થાયી સભ્યો દ્વારા ચેરમેન તરીકે વર્ષાબહેન વ્યાસની નિમણૂક કરી હતી. વર્ષાબહેન વ્યાસે જણાવ્યું હતું કે, શહેરના વિકાસના કામોને નવી ઊંચાઈ આપવાનું કામ કરવામાં આવશે. શહેરમાં તમામ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ વર્ષે 7500 કરોડનું બજેટ મંજૂર કરાયું છે તેમાં કામોને વેગ આપવામાં આવશે. શહેરના હેરિટેજ, પાણી જેવા તમામ કામોને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 'અન્ય શહેરની સરખામણીએ વડોદરા પાછળ છે' સામાન્ય સભામાં અભિનંદન પ્રસ્તાવ સમયે ભાજપના નવનિયુક્ત કોર્પોરેટર વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, એમ કહેવાય છે કે વડોદરા અન્ય શહેરોની સરખામણીએ પાછળ છે ત્યારે આપણે બધા મળીને શહેરને આગળ લઈ જવાના પ્રયાસો કરીએ. તો કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ તમામને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે સત્તા પક્ષની સારી અને સાચી વાતમાં અમે હંમેશા સાથે રહીશું. પરંતુ શહેરના વિકાસથી વિપરીત વાત હશે તો અમે સામે હોઈશું. પાલિકામાં 13નો અંક શુકનિયાળ સાબિત થશે? સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ શુભ છે. કારણ કે આજે તેરસ છે અને પ્રદોષ છે. પ્રદોષના દિવસે શહેરને નવા મેયર મળ્યા છે. ખાસ કરીને મેયર વોર્ડ 13માંથી મળ્યા છે. ઉપરાંત જ્યાં તેઓની જાહેરાત થઈ છે એવો સભાખંડ પણ 13 નંબરનો રૂમ છે. જેથી આજે 13નો આંકડો શુકનિયાળ સાબિત થયો છે. જો કે ત્યાર બાદ સભા બહાર એવી પણ ચર્ચા ચાલી હતી કે શું ખરેખર આ બોર્ડ માટે 13નો આંકડો શુકનિયાળ સાબિત થશે કે કેમ.
Read Original Article →