મતદાર યાદીમાં નામ ન હોવાથી વોર્ડ-15ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ:વડોદરા મનપામાં હિતેશ માછી નવા ઉમેદવાર, રાજેન્દ્ર બારોટે કહ્યું-'સત્તા પક્ષ ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કર્યા'

Gujarat4/13/2026, 11:12:43 AM
મતદાર યાદીમાં નામ ન હોવાથી વોર્ડ-15ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ:વડોદરા મનપામાં હિતેશ માછી નવા ઉમેદવાર, રાજેન્દ્ર બારોટે કહ્યું-'સત્તા પક્ષ ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કર્યા'
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 15માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં ન હોવાના ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર હિતેશ માછી કોંગ્રેસના નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તંત્ર અને સત્તા પક્ષ સામે ગંભીર આક્ષેપો રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થતા કોંગ્રેસના અન્ય ઉમેદવાર આશિષ જોશીએ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એસઆઈઆર (SIR) પ્રક્રિયા બાદ નામ ઉમેરવા માટે છેલ્લા 15 દિવસથી ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં નામ ઉમેરાયું નથી. મતદાર યાદીની પુરવણી-2 જાહેર ન થતા માત્ર રાજેન્દ્ર બારોટ જ નહીં, પરંતુ અન્ય 2500 થી 3000 મતદારો પણ મતાધિકારથી વંચિત રહેશે. કોંગ્રેસને અગાઉથી જ ફોર્મ રદ થવાની આશંકા હોવાથી તેમણે સાવચેતીના ભાગરૂપે મજબૂત ડમી ઉમેદવાર ઉતાર્યો હતો. 'સત્તા પક્ષ મારાથી ડરી ગયો': રાજેન્દ્ર બારોટ ઓબીસી અનામત બેઠક પરથી ફોર્મ ભરનાર રાજેન્દ્ર બારોટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સત્તા પક્ષ તેમનાથી ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, "ભલે હું ચૂંટણી નહીં લડી શકું, પરંતુ હવે અમે 'એક અને એક અગિયાર' બનીને ભાજપને હરાવીશું. મારા સ્થાને આવેલા હિતેશ માછીને જીતાડવાની જવાબદારી મારી છે." કોણ છે હિતેશ માછી? નવા જાહેર થયેલા ઉમેદવાર હિતેશ માછીના રાજકીય પ્રવાસમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે, તેઓ અગાઉ ભાજપમાં સક્રિય હતા અને વોર્ડ 5 તથા 15 માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો. ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ આશિષ જોષીના સમર્થનમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ હવે તેઓ સીધા જ મુખ્ય ઉમેદવાર બની ગયા છે.
Read Original Article →