'મારા ભાઇની હત્યા થઈ છે, એને ન્યાય આપો':વડોદરાના અગોરા સિટી સેન્ટરના બીજા માળેથી પટકાતા મૃત્યુ પામેલા યુવકના ભાઇએ CPને રજૂઆત કરી, હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી

Gujarat5/22/2026, 9:33:10 AM
'મારા ભાઇની હત્યા થઈ છે, એને ન્યાય આપો':વડોદરાના અગોરા સિટી સેન્ટરના બીજા માળેથી પટકાતા મૃત્યુ પામેલા યુવકના ભાઇએ CPને રજૂઆત કરી, હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી
વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરના બીજા માળેથી નીચે પટકાતા 21 ફેબ્રુઆરીના રોજ એક યુવકનું મોત થયું હતું. આ કેસમાં યોગ્ય તપાસ ન થઈ હોવાની રજૂઆત પરિવારે પોલીસ કમિશનરને કરી છે અને જવાબદારો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મૃતક હિતેન્દ્રસિંહ પરમાર (ઉંમર 35 વર્ષ) નવી નગરી, સમા વિસ્તારનો રહેવાસી હતો. આ યુવક સમા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે પણ નોકરી કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી છે કે, હિતેન્દ્ર ચોરીના ઈરાદાથી આ સાઇટમાં પ્રવેશ કર્યો હતો. સ્થળ પર લોકોની હલચલ અને અવાજો સાંભળતાં તે ગભરાઈને ભાગવા માગતો હતો અને તે દરમિયાન બીજા માળેથી કૂદી ગયો હતો. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકના ભાઈ અજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, પોલીસે કહ્યું હતું કે, અકસ્માતે મોત થયું છે. પરંતુ મારા ભાઇની હત્યા થઈ હતી. જોકે, આ બાબતે પોલીસે યોગ્ય તપાસ કરી નથી. મારા ભાઇના બંને સાઇડ પાસળી તૂટી ગઈ હતી. મારા ભાઇને પહેલા માર મારવામાં આવ્યો હતો અને પછી તેને ઘસડવામાં આવ્યો હતો. ત્યારે ભાગતી વખતે પડી જવાથી તેનું મોત થયું હતું. મારા ભાઇનું 15 દિવસથી અગોરા મોલમાં કામ ચાલતુ હતુ અને પેમેન્ટ લેવા માટે ગયો હતો. તે મને જાણ કરીને ગયો હતો. એ લોકોએ મારો ભાઇ ચોરી કરવા આવ્યો હોવાના ખોટા આક્ષેપ કર્યાં હતા. જો કે ત્યાં ટાઇટ સિક્યોરીટી છે, ત્યાં ચોરી થઈ શકે તેમ જ નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે, મારા ભાઇની હત્યા કરવામાં આવી છે અને તેઓ ખુલ્લા ફરી રહ્યા છે, તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ. મારા ભાઇની પત્ની અને બે બાળકો છે, તેમને ન્યાય મળવો જોઇએ. પોલીસે આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરી નથી. આ કેસમાં તટસ્થ તપાસ થવી જોઇએ અને અમને ન્યાય મળવો જોઇએ તેવી પોલીસ કમિશનર સમક્ષ અમારી માંગણી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ તે સમયે સામે આવ્યા હતા. તેમાં અગોસા સિટી સેન્ટરના બીજા માળે લટકાતો જોવા મળી રહ્યો હતો. બૂમાબૂમ થતા એક વ્યકિતએ તેની પાસે જઈને હાથ પકડી લીધો હતો. તો બીજી તરફ નીચે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય હતા. 3 મિનિટ સુધી દીવાલ અને અન્ય વ્યકિતના હાથના સહારે લટકી રહેલો હિતેન્દ્ર અચાનક જ ધડાકાભેર નીચે પડ્યો હતો અને તેનું મોત થયું હતું.
Read Original Article →