પતિના મૃતદેહમાંથી જીવડાં નીકળતા પત્નીએ ત્યાં જ અંતિમ સંસ્કાર કર્યા:આધેડના મોતની પરિવારને જાણ કરી, મોડી રાત સુધી કોઈ ન આવ્યું; અડધી બળેલી લાશ જોઈ માતાનું હૈયાફાટ રૂદન

Gujarat5/26/2026, 6:35:00 PM
પતિના મૃતદેહમાંથી જીવડાં નીકળતા પત્નીએ ત્યાં જ અંતિમ સંસ્કાર કર્યા:આધેડના મોતની પરિવારને જાણ કરી, મોડી રાત સુધી કોઈ ન આવ્યું; અડધી બળેલી લાશ જોઈ માતાનું હૈયાફાટ રૂદન
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં માનવતાને ઝંઝોળી નાખતી ઘટના સામે આવી છે. ખુલ્લા પ્લોટમાં ઝૂંપડામાં રહેતા મહેશ રાઠોડીયા નામના આધેડનું અસહ્ય ગરમી અને દારૂની લતને કારણે મોત થયું હતું. પત્ની જશોદાબેને સગાઓને જાણ કરી હતી, પરંતુ મોડી રાત સુધી કોઈ ન આવ્યું. મૃતદેહમાંથી દુર્ગંધ અને જીવડાં નીકળતા હોવાનું જણાતા લાચાર અને અજ્ઞાનતામાં જશોદાબેને ઝૂંપડા સામે ગોદડી મૂકી પતિના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. જોકે, બાદમાં મૃતકની માતા લક્ષ્મીબેન અને અન્ય સગાઓ સ્થળ પર પહોંચતા જ હચમચી ગયા હતા. માહિતી મળતા પાણીગેટ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહના અવશેષોને ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે લઈ જઈ વિધિવત અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. દારૂની લત અને અસહ્ય ગરમીના કારણે આધેડનું મોત વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં મહેશ રાઠોડીયા અને તેમની પત્ની જશોદાબેન છેલ્લા બે વર્ષથી ડી માર્ટ પાછળ ખુલ્લા પ્લોટમાં ઝૂંપડું બનાવી રહેતા હતા. બંને ભંગાર ભેગો કરી તેને વેચીને મળતી આવકમાંથી ગુજરાન ચલાવતા હતા. દરમિયાન દારૂની લત અને અસહ્ય ગરમીના કારણે મહેશ રાઠોડીયાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પત્ની જશોદાબેને મૃતકના પરિવારજનોને મહેશના મોત અંગે જાણ કરી હતી અને અંતિમ સંસ્કાર માટે તેમની રાહ જોઈ રહી હતી. પત્નીએ ગોદડી મૂકી પતિના મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા જોકે, મોડી રાત સુધી કોઈ સગા ન આવતા અને મૃતદેહમાંથી દુર્ગંધ સાથે જીવડાં નીકળતા હોવાથી ગભરાયેલા જશોદાબેને કોઈની સલાહ લીધા વગર પોતાના ઝૂંપડા સામે જ પતિના મૃતદેહ પર ગોદડી મૂકી અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. બાદમાં મૃતકની માતા લક્ષ્મીબેન, પોર ખાતે રહેતી ભત્રીજી વિદ્યા સહિત અન્ય સગાઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે મહેશનો મૃતદેહ અડધો બળેલી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતકના પત્ની અને માતાના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ આ દૃશ્ય જોઈ સ્થળ પર પત્ની જશોદાબેન અને માતા લક્ષ્મીબેનના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. સગાઓએ સમગ્ર મામલે પાણીગેટ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ લાશને કબજામાં લઈ સગાઓની હાજરીમાં ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે વિધિવત અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. મૃતક મૂળ બહેરામપુરા ગામનો વતની મૃતક મહેશ રાઠોડીયા મૂળ ડભોઇ તાલુકાના બહેરામપુરા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. વર્ષો પહેલાં તેણે જશોદાબેન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેની સાથે અલગ રહી જીવન ગુજારતો હતો. પાણીગેટ પોલીસે અકસ્માતે મોતના કાગળો કરી આગળની કાર્યવાહી પૂર્ણ કરી છે. મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું: મૃતકના પત્ની મૃતકના પત્ની જશોદાબેને જણાવ્યું હતું કે, “પતિના મોઢામાંથી જીવડાં નીકળતા હતા અને ભારે દુર્ગંધ આવતી હતી. મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. સાહેબ હું ભંગાર વીણવા ગઈ હતી, એટલે મને ખબર નહોતી. આ તો પેલી મારી ભાભી મને બોલાવવા આવી ત્યારે મને ખબર પડી કે મહેશને આવું થયું છે. પછી રિક્ષામાં બેસીને અમે અહીં આવ્યા. આખી રાત બેસી રહી ને આખો દાડો બેસી રહી હતી. આજે સવારે મેં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા અને ઉપર ગોદડું નાખ્યું હતું, પણ તોય ગંધાય છે.
Read Original Article →