શહેરમાં 20 લાખ વૃક્ષ વાવી તેનું જતન કરાશે:મંત્રી મનીષા વકીલ,દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ, મહાનગરપાલિકાએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકારના મંત્રી મનીષાબહેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ,મેયર ગીતા મકવાણા,મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરાશે
શહેરમાં અનેક સ્થળોએ મિયાવાકી વન ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઓછી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનો ગ્રોથ પણ ઝડપથી થાય તેવી આ પદ્ધતિથી શહેરમાં હરિયાળું વાતાવરણ ઉભું કરવાનું આયોજન છે.મિયાવાકી પદ્ધતિ એ વૃક્ષોના ઝડપી ઉછેર માટે જાણીતી પદ્ધતિ છે.જેમાં વૃક્ષો એકબીજા સાથે ગ્રોથ કરવાની સ્પર્ધા લગાવે છે.ત્યારે વડોદરા શહેરમાં પણ આ પદ્ધતિથી વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે. હરણી વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું આયોજન
મહાનગરપાલિકા દ્વારા હરણી વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત શહેરમાં લિનિયર પાર્ક પણ ઉભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરણી વિસ્તારમાં પણ ઓક્સિજન પાર્કમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ પાર્કમાં જે વૃક્ષ વધુમાં વધુ ઓક્સિજન હવામાં પરત આપતા હોય તેવા વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.મંત્રી,દંડક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેરમાં 20 લાખ વૃક્ષ વાવી જતન કરાશે
વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે,શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે 20 લાખ વૃક્ષ વાવવાનું આયોજન છે.દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થીમ આધારિત કરવામાં આવે છે.આ વર્ષની થીમ ઝીરો પ્લાસ્ટિક યુઝ ઉપરાંત આબોહવા પરિવર્તન અંગેની થીમ રાખવામાં આવી છે. દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ક્લાઈમેટ એક્શન થીમ ઉપર આ વર્ષે પર્યાવરણ દિવસ ઉજવાયો છે.દંડકે અપીલ કરી હતી કે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી આબોહવામાં પરિવર્તન આવે.તો મંત્રી મનીષા વકીલે પણ લોકોને વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી.
Read Original Article →