સ્થાયી સમિતિની બેઠકમાં 10માંથી 9 કામ મંજૂર,1 મુલતવી:મહાનગરપાલિકામાં ચૂંટણી બાદ સ્થાયી સમિતિની પ્રથમ બેઠક મળી, SPVમાં નવા સભ્યની નિમણુંક
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. જે નિમણુંક બાદ સ્થાયી સમિતિની પ્રથમ બેઠક આજરોજ મળી હતી. સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબહેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 10 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા હતા જે પૈકી 9 કામો મંજુર કરવામાં આવ્યા છે જયારે 1 કામ મુલતવી કરવામાં આવ્યું છે. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બેઠક શરુ કરાઈ
સ્થાયી સમિતિની બેઠકમાં સૌપ્રથમ મંજલપુરના ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી., તેઓ માટે બે મિનિટ મૌન પળ્યા બાદ બેઠક આગળ ધપાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓડિટ વિભાગના કામો ધ્યાને લઈને તેને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગના અધિકારીઓ, સૈનિકો નાગપુર ખાતે 6 મહિનાની ટ્રેનિંગ માટે જવાના છે જે કામને પણ મંજૂરી આપવામાં આવી છે. અને આગામી ચોમાસા દરમિયાન એક પણ વ્યક્તિની ખોટ નહીં પડે તે વાતને ધ્યાને લઈને મંજૂરી આપવામાં આવી છે. 3 ઝોનમાં પ્લાન્ટેશનનો ઈજારો મંજુર બે ઝોનમાં 11 ટકા વધુ ભાવ કેમ?
શહેરના ત્રણ ઝોનમાં આગામી દિવસોમાં પ્લાન્ટેશન માટેના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનનો સમાવેશ થાય છે. જો કે ઉત્તર ઝોનનું કામ 1 કરોડની મર્યાદામાં 30 ટકા ઓછાના ભાવે મંજુર કરવામાં આવ્યું છે તો દક્ષિણ અને પૂર્વનું કામ 1 કરોડની મર્યાદામાં 18.98 ટકા ઓછા ભાવે મંજુર કરાયું છે. ત્યારે સવાલ એ થાય છે કે આ બે ઝોનમાં ઉત્તર ઝોન કરતા 11 ટકા વધુના ભાવે કેમ કામ મંજુર કરવામાં આવ્યું. તમામ ઝોનની મર્યાદા સરખી છે તો પછી તમામ ઝોનમાં સરખા ભાવે કામો કેમ મંગાવવામાં ન આવ્યા? પ્રથમ સભાથી જ કામ મુલતવી કરવાની શરૂઆત થઇ ગઈ
મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 10 પૈકી એક કામ મુલતવી કરવામાં આવ્યું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં માનવદિન સપ્લાય કરવા માટે ડી.જી.નાકરાણી નામના ઇજારદારને 11.50 કરોડનું કામ આપવા મંજૂરી માટે મુકાયું હતું. જો કે આ કામ મુલતવી રાખવામાં આવ્યું છે. અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર સામાન્ય રીતે ચાર ઝોનમાં અલગ અલગ ઇજારા કરવા હિતાવહ હોય છે. જેથી પાલિકાના પૈસા પણ બચી શકે છે. કારણ કે ચારેય ઝોનમાં અલગ અલગ ઇજારદારમાં સ્પર્ધા રહી શકે છે. જો કે હવે આ કામ પુનઃ આવે છે કે કેમ તે જોવું રહ્યું. SPVમાં નવા સભ્ય તરીકે નરવીરસિંહ ચુડાસમાની નિમણૂક
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર તેમજ વુંદાના વિસ્તારમાં ઈ બસો ચલાવવા માટે SPV - સ્પેશિયલ પરપઝ વિહિકલ ની રચના કરવામાં આવી છે. જેમાં ગત ટર્મમાં સભ્ય તરીકે બંદિશ શાહ હતા. જો કે આ વખતે તેઓ પાલિકાના સભ્ય નથી જેથી નવા સભ્યની નિમણુંક કરવામાં આવી છે. નવા સભ્ય તરીકે નરવીરસિંહ ચુડાસમાની નિમણુંક કરવામાં આવી છે. શહેરમાં આગામી દિવસોમાં ઈ બસો આવશે જેમાં કેટલાક સૂચનો મુકવામાં આવ્યા છે જેમાં મહિલા માટે વધુ એક બેઠક અનામત ઉપરાંત સિનિયર સીટીઝન તેમજ વિકલાંગો માટે પણ એક બેઠક અનામત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.
Read Original Article →