પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મહિલાને પ્રેમીએ હેરાન કરી:પ્રેમીએ મહિલા પાસેથી 7 લાખ રૂપિયા અને સોનાના દાગીના પડાવીને ગીરવે મૂકી દીધા, 181 ટીમે મહિલાને પ્રેમીના ત્રાસમાંથી મુક્તિ અપાવી

Gujarat5/26/2026, 6:35:00 PM
પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મહિલાને પ્રેમીએ હેરાન કરી:પ્રેમીએ મહિલા પાસેથી 7 લાખ રૂપિયા અને સોનાના દાગીના પડાવીને ગીરવે મૂકી દીધા, 181 ટીમે મહિલાને પ્રેમીના ત્રાસમાંથી મુક્તિ અપાવી
વડોદરામાં એક પીડિત મહિલાએ પોતાના પરિચિત યુવક દ્વારા થતી સતત હેરાનગતિથી કંટાળી 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, છૂટાછેડા બાદ તે પોતાના બે બાળકો સાથે માતા-પિતા પાસે રહી નોકરી કરી જીવન નિર્વાહ કરે છે. આ દરમિયાન પરિચિત બનેલો યુવક પહેલા સહારો આપતો હતો, પરંતુ બાદમાં પ્રેમ સંબંધ બંધાતા તે મહિલાને ફોન, મેસેજ અને શક-વહેમ દ્વારા પરેશાન કરવા લાગ્યો હતો. 181 ટીમ પીડિતાના જણાવ્યા મુજબ બાપોદ વિસ્તારમાં તેમના ઘરે પહોંચી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, યુવક વારંવાર જુદા જુદા નંબર પરથી ફોન અને મેસેજ કરી હેરાન કરતો હતો. દીકરી ઓનલાઈન અભ્યાસ માટે ફોન વાપરે ત્યારે પણ યુવક શક કરી પૂછપરછ કરતો હતો. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, યુવક પાસે તેના રૂ.7 લાખ તેમજ સોનુ છે, તે તેને ગીરવે રાખેલ છે અને હવે પરત આપવા તૈયાર નથી. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખી 181 ટીમે યુવકને બોલાવી બંને પક્ષનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે યુવકને સમજાવ્યું હતું કે મહિલાએ હવે સંબંધ રાખવાની ના પાડી છે, ત્યારે તેમની વ્યક્તિગત જિંદગીમાં દખલ ન કરવી જોઈએ તેમજ ફોન-મેસેજ દ્વારા હેરાનગતિ બંધ કરવી જોઈએ. સાથે જ મહિલાના રૂપિયા અને સોનુ પરત આપવા સૂચના આપવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવકે પોતાની ભૂલ સ્વીકારી મહિલાને હવે હેરાન નહીં કરવાની અને રૂપિયા તથા સોનુ પરત આપી દેશે તેવી બાહેધરી આપતા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો.
Read Original Article →