મુખ્ય આરોપી PI ચારણ હજુ ફરાર:લવજેહાદ કેસમાં પીઆઈ વતી લાંચ લેતા ઝડપાયેલા આરોપી સાજીદ અલીની જામીન અરજી નામંજૂર, કાર્યવાહી નહીં કરવા 2 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો હતો
વડોદરા જિલ્લાના પાદરામાં લવજેહાદ સંબંધિત કેસમાં કાયદેસરની કાર્યવાહી નહીં કરવા બદલ 2 લાખ રૂપિયાની લાંચ માંગવાના ગંભીર આરોપ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી સાજીદઅલી ગુલામરસુલ સૈયદની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. જોકે મુખ્ય આરોપી એવા પીઆઇ ચારણ હજુ પણ ફરાર છે. વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં થયેલા ઝઘડાની ઘટના બાદ પોલીસે યુવકને પાદરા પોલીસ સ્ટેશન લઈ જઈ અટકાયતી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આરોપી પીઆઈ ચારણે યુવકને જણાવ્યું હતું કે મામલામાં લવજેહાદનો ગુનો બની શકે છે અને આગળની કાર્યવાહી ટાળવી હોય તો આરોપી સાજીદઅલી ગુલામરસુલ સૈયદને મળી લેવા કહ્યું હતું. સાજીદઅલીએ શરૂઆતમાં રૂ.6 લાખની માંગણી કરવામાં આવી હતી, પરંતુ રકઝક બાદ રૂ.2 લાખ લાંચ પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આરોપીએ વારંવાર ફોન કરી લાંચની માંગણી ચાલુ રાખી હતી. લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBએ બે સરકારી પંચોની હાજરીમાં છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપીએ પાસેથી રૂ.2 લાખની લાંચ સ્વીકારી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે લાંચની માંગણી કરી હતી. આથી ભ્રષ્ટાચાર ગુનામાં આરોપી સાજીદઅલી ગુલામરસુલ સૈયદની રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી છે. જોકે 15 દિવસ ઉપરાંત નો સમય થવા આવ્યો હોવા છતાં મુખ્ય આરોપી પીઆઇ ચારણ હજુ સુધી પકડાયા નથી.
Read Original Article →