કોંગ્રેસના નેતા પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ:સ્વેજલ વ્યાસે કહ્યું- 'વડોદરામાં ક્યાંય દારૂ કે, ડ્રગ્સ મળશે તો અમે જનતા રેડ કરીશું, જેલમાં નાખવો હોય તો નાખી દેજો'

Gujarat5/21/2026, 2:27:46 PM
કોંગ્રેસના નેતા પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ:સ્વેજલ વ્યાસે કહ્યું- 'વડોદરામાં ક્યાંય દારૂ કે, ડ્રગ્સ મળશે તો અમે જનતા રેડ કરીશું, જેલમાં નાખવો હોય તો નાખી દેજો'
વડોદરા શહેરમાં કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, એક ખાલી દારૂની બોટલ લાવશો તો રૂ.100 આપવામાં આવશે. જેને પગલે ગોરવા પોલીસે કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસ સામે ગુનો દાખલ કર્યો હતો. આજે સ્વેજલ વ્યાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. કોઈની પાસેથી દારૂની બોટલ લેવામાં આવી હતી કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, ગોરવા પોલીસ સ્ટેશનમાં મારા પર FIR નોંધાઈ છે, પણ મહત્વની વાત એ છે કે, જે ઘટનાની વાત કરવામાં આવી રહી છે, તેવી કોઈ ઘટના જ બની નથી. ન તો કોઈ પ્રોગ્રામ થયો હતો, ન તો કોઈની પાસેથી દારૂની બોટલ લેવામાં આવી હતી, ન તો કોઈને 100 રૂપિયા આપ્યા છે. હું એ ઘટનાસ્થળે ગયો જ નથી. પ્રોગ્રામના એક કલાક પહેલાં હું પોતે અહીં આવ્યો હતો. ભાજપ નેતાના પ્રેશરથી સ્વેજલ વ્યાસ પર FIR કરાઈ વડોદરા શહેરના જોઇન્ટ સીપી અને ડીસીપી બંનેની હાજરીમાં સીસીટીવી કેમેરા સામે મેં પોતે એમને કીધું હતું કે આવો કોઈ પ્રોગ્રામ થવાનો જ નથી. તેમ છતાં પણ, પોલીસનો ડર બતાવવા માટે રાત્રે અઢી વાગ્યે ભાજપના કોઈ નેતાના પ્રેશરથી સ્વેજલ વ્યાસ પર FIR કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં કોઈ જયદીપસિંહ કરીને છે, જેમના દ્વારા મારા વિરુદ્ધ આ ખોટી FIR નોંધાવવામાં આવી છે. ભાઈ આ સ્વેજલ વ્યાસ છે, ડરવા વાળો નથી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ખોટી FIRના સંદર્ભમાં જવાબ આપવા માટે તેમણે મને લીગલ નોટિસ મોકલી હતી અને એ નોટિસનો જવાબ આપવા માટે જ આજે હું અહીં ગોરવા પોલીસ સ્ટેશન આવ્યો છું. કોઈ એક્સિડન્ટ ન થયો હોય છતાં એક્સિડન્ટની FIR થઈ જાય, મર્ડર ન થયું હોય છતાં મર્ડરની FIR થઈ જાય, બસ એવું જ આ કેસમાં થયું છે. કોઈ હેરાન કે પરેશાન નથી થયું છતાં દબાણ લાવવા માટે આ બધું કરવામાં આવ્યું છે. તેઓ વિચારે છે કે આ રીતે દબાવીને સ્વેજલ વ્યાસને નબળો પાડી દેવાશે. પણ ભાઈ, આ સ્વેજલ વ્યાસ છે, ડરવા વાળો નથી. દારૂ-ડ્રગ્સ મળશે તો અમે 'જનતા રેડ' કરીશું તેઓએ વધુમાં કહ્યું કે, હું આજે ગોરવા પોલીસ સ્ટેશનની સામે જ ઊભો રહીને કહું છું કે વડોદરા શહેરમાં હવે કોઈપણ જગ્યાએ દારૂ મળશે, ડ્રગ્સ મળશે અથવા તો એવી કોઈ ગેરકાયદેસર વસ્તુ મળશે જે શહેરના નાગરિકોને નુકસાન પહોંચાડે છે, તો એના વિરુદ્ધ હવે અમે 'જનતા રેડ' કરીશું. અમે સીધા જ જઈશું, ડાયરેક્ટ રજૂઆત કરીશું અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓને પકડીશું. જે પોલીસ અધિકારીઓની રહેમનજર હેઠળ આ બધું ચાલે છે, તેમને અમે અટકાવીશું. તેઓએ ઉમેર્યું હતું કે, વડોદરા શહેરના હજારો નાગરિકોને ખોટા ખૌફમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ એ યાદ રાખજો કે એવું નહીં થાય. આ સ્વેજલ વ્યાસ લડશે. જેલમાં નાખવો હોય તો નાખી દેજો, જેટલી FIR કરવી હોય એટલી કરી દેજો, પણ હું ડરવાનો નથી. આ લડત હવે વધુ મજબૂતીથી ચાલુ રહેશે અને એની શરૂઆત આ ગોરવા પોલીસ સ્ટેશનથી જ કરીશું.
Read Original Article →