ફ્રૂટના વેપારીઓ પર ફૂડ વિભાગની તવાઈ:ખંડેરાવ માર્કેટમાં 12 દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરાવી, 19 વેપારીઓ પાસેથી રૂ. 48,500નો દંડ વસૂલાયો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની સુખાકારી અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે એક મોટું અને સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના અને ડેઝીગ્રેટેડ ઓફિસર તેમજ અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ પાલિકાની વિવિધ પાંખોએ સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. અધિકારીઓએ સવારથી જ કામગીરી હાથ ધરી હતી
આ કાર્યવાહીમાં ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ, માર્કેટ શાખા, વોર્ડ નંબર 13ની સેનેટરી શાખા તેમજ દબાણ શાખાની ટીમો જોડાઈ હતી. તમામ અધિકારીઓએ વડોદરાના વ્યસ્ત અને જાણીતા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલી ફળોની દુકાનો અને હોલસેલ વખારોમાં અચાનક દરોડા પાડીને વ્યાપક તપાસ શરૂ કરી હતી, જેના પગલે સમગ્ર માર્કેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ફળ પકાવવા કેમિકલના ઉપયોગ સામે લાલ આંખ
આ સઘન તપાસ પાછળ મુખ્યત્વે ત્રણથી ચાર મોટા કારણો જવાબદાર હતા. ઉનાળાની ઋતુમાં ફળોની માંગ વધુ હોય છે, ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા કેલ્શિયમ કાર્બાઈડ જેવા જોખમી કેમિકલનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે ફળો પકવવામાં આવતા હોવાની આશંકાને આધારે આ ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત, દુકાનદારો પાસે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના જરૂરી લાયસન્સ કે રજીસ્ટ્રેશન છે કે નહીં, દુકાનની આસપાસ સ્વચ્છતા જળવાય છે કે નહીં અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે કે નહીં તે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સમગ્ર વિસ્તારની કુલ 22 જેટલી ફળોની દુકાનો અને વખારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાવાળાઓને અનેક પ્રકારની ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન જોવા મળ્યા હતા. ફૂડ સેફ્ટી એક્ટનું લાયસન્સ કે રજીસ્ટ્રેશન ન ધરાવતા વેપારીઓ સામે કડકાઈ
આ સંયુક્ત ઓપરેશન દરમિયાન સૌથી મોટી કાર્યવાહી ફૂડ સેફ્ટી એક્ટનું લાયસન્સ કે રજીસ્ટ્રેશન ન ધરાવતા વેપારીઓ સામે કરવામાં આવી હતી. કાયદેસરના દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે ધમધમતી 12 જેટલી ફળોની દુકાનોને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. ફૂડ વિભાગના અધિકારીઓએ આ તમામ વેપારીઓને કડક શબ્દોમાં તાકીદ કરી છે કે જ્યાં સુધી તેઓ નિયમ મુજબનું કાયદેસરનું લાયસન્સ કે રજીસ્ટ્રેશન મેળવી ન લે, ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં દુકાન ખોલી શકાશે નહીં. જો આ સૂચનાનો અનાદર કરવામાં આવશે તો આગામી સમયમાં વધુ કડક કાનૂની પગલાં ભરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ગંદકી ફેલાવનાર વેપારીઓ પાસે દંડ
તંત્ર દ્વારા માત્ર દુકાનો બંધ કરાવવા સુધીની જ સીમિત કાર્યવાહી નથી કરવામાં આવી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનારા, ગંદકી ફેલાવનારા અને જાહેર રસ્તા પર દબાણ કરનારા વેપારીઓ પાસેથી સ્થળ પર જ ભારે દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી દુકાનો તેમજ લારીવાળાઓ પાસેથી વહીવટી ચાર્જ અને દંડ પેટે કુલ રૂપિયા 48,500ની રકમ વસૂલ કરવામાં આવી છે. જેમાં જુદી જુદી દુકાનો દીઠ દંડની રકમ નક્કી કરાઈ હતી. રસ્તા પર ઊભી રહેતી છૂટક લારીઓ પાસેથી પણ દબાણ અને ગંદકી બદલ કુલ 3500 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત, ચેકિંગ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આશરે 60 થી 70 કિલો જેટલા સડી ગયેલા અને બગડી ગયેલા ફળોનો જથ્થો મળી આવતા તંત્રએ તેનો સ્થળ પર જ નાશ કરાવીને જનઆરોગ્ય સાથે થતા ચેડાં અટકાવ્યા હતા. કયા વેપારી પાસેથી કેટલો દંડ વસૂલાયો? સાબર ફુટ સેન્ટર - 5000 એસ.કે. ગ્રીન કોકોનટ - 5000 ચંદુલાલ લાલચંદ - 2500 સી.એન. બરોડા - 2500 હરેશભાઈ ડંકાણી - 9000 એસ.કે.ફુટ - 2500 સુંદરલાલ ઠાકોરદાસ - 2500 લક્ષ્મણદાસ ધ્યાનદાસ - 2500 દીપકભાઈ શિસંતભાઈ ચંદાની - 2500 મોતીભાઈ જેઠાનંદ - 2500 ભોલેનાથ ફુટ - 2500 મહાવીર ફુટ - 2500 આર.જી.એમ ફુટ - 1000 શિવ શક્તિ રસ ઘર - 1000 ગાંધી મસાલા - 1500 ઝુલેલાલ ફુટ સેન્ટર - 2500 પ્રકાશભાઈ સંતરામદાસ - 500 સંતોષભાઈ - 1000
Read Original Article →