વડોદરામાં જૂથ અથડામણમાં 6 ઝડપાયા:'અહીંનો દાદા થઈ ગયો છે' તેમ કહેતા ધીંગાણું થયું, સામસામે 9 સામે ફરિયાદ, સગીર સહિત 6 આરોપીની પોલીસે ધરપકડ કરી, કાન પકડાવી ઉઠક બેઠક કરાવી
વડોદરાના કલાલી વિસ્તારમાં સોમવારે મધરાતે જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં સામસામેં ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પોલીસે પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી એક સગીર છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા બાપુનગરમાં રહેતા દેવ રણજીતભાઈ સોલંકી (ઉ.વ.21)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગત રાત્રે સવા બારેક વાગ્યાના સમયે તેઓ સોસાયટી નજીક આવેલા રજવાડી ટી-સ્ટોલ પાસે બેઠા હતા ત્યારે શ્રીજીનગરમાં રહેતા રોહિત નટવરભાઈ માળીએ ફોન કરીને તેમને બોલાવ્યા હતા. ત્યાં પહોંચતા રોહિત માળીએ “તું અહીંનો દાદા થઈ ગયો છે” કહી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ રાજેશ માળીએ દેવને લાફા માર્યા હતા અને ત્યારબાદ કાર્તિક પરમાર, અજય માળી, એક સગીર સહિતના શખ્સોએ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. કાર્તિક પરમારના હાથમાં રહેલા લાકડાના દંડાથી દેવને શરીરના વિવિધ ભાગોમાં ઇજા પહોંચી હતી. દેવ સોલંકી પોતાના ઘરે દોડી ગયા બાદ આરોપીઓ ત્યાં સુધી પહોંચી ગયા હતા. દરમિયાન દેવના પિતા રણજીતભાઈ, માતા ગીતાબેન, ભાઈ નિકુંજ તથા સગા ઇલાબેન વચ્ચે પડતા તેઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. કાર્તિક પરમારે દેવના માથાના ભાગે દંડો મારતા લોહી નીકળ્યું હતું. રોહિત માળીએ દેવના ભાઈ નિકુંજને માથામાં ફટકો માર્યો હતો. ત્યારબાદ જયેશ નટવરભાઈ માળી પણ લાકડાનો દંડો લઈને આવી પહોંચ્યા હતા અને દેવના પિતા રણજીતભાઈ તેમજ ઇલાબેન પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટના બાદ સ્થાનિકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રણજીતભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કલાલી વિસ્તારમાં શ્રીજીનગરમાં રહેતા રોહિત નટવરભાઈ માળી (ઉ.વ.22)એ પણ દેવ સોલંકી અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. રોહિત માળીના જણાવ્યા મુજબ, તેઓ ખિસકોલી સર્કલ પાસે ડીલક્ષ પાનની લારી પર મિત્ર અજય માળી સાથે બેઠા હતા ત્યારે દેવ સોલંકી ત્યાં હાજર હતા. બાદમાં ઘરે જતા સમયે દેવ અને તેમના ભાઈ નિકુંજે સામાજિક ટિપ્પણી કરી હતી, જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દેવ અને નિકુંજે રોહિતને પકડીને નીચે પાડી દીધા હતા અને લાકડી વડે માથાના પાછળના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. દેવના પિતા રણજીતભાઈએ પણ માર માર્યો હતો. રોહિતને છોડાવવા વચ્ચે પડેલા અજય માળીને પણ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત રોહિત અને અજયને મિત્ર સન્ની ગીલ ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં બંનેની સારવાર કરવામાં આવી હતી. રોહિતના માથામાં ટાંકા આવ્યા હોવાનું તેમજ અજયને માથા, હાથ અને બરડામાં ઇજા પહોંચી હતી. અટલાદરા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે રોહીત નટવરભાઇ માળી, રાજેશ માળી, કાર્તિક પ્રવિણભાઇ પરમાર,અજય પુનમભાઇ માળી, જયેશ નટવરભાઇ માળી અને સગીરની ધરપકડ કરી હતી અને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે.
Read Original Article →