માથે ગોગલ્સ, હાથમાં ટેટૂ ને બની-ઠનીને ચોરી કરવા આવી, CCTV:જ્વેલરી શો રૂમમાં સોનાની બુટ્ટી-વીંટી મોઢામાં છુપાવી, પકડાઈ જતા પગે પડી; વડોદરાની ‘સોફેસ્ટિકેટેડ ચોર’
વડોદરા શહેરના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શો રૂમમાં ખરીદીના બહાને આવેલી હાઈ પ્રોફાઇલ દેખાતી મહિલાએ લાખો રૂપિયાના કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાનો ભાંડો ફૂટી જતાં તેને રંગેહાથ પકડી પાડવામાં આવી હતી. મહિલા પકડાઈ જતા તેને પગે પડીને માફી માંગી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ મહિલાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ શો રૂમ સંચાલકોએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી નહોતી. ઈયરરિંગ્સ-ફિંગર રિંગ મોઢામાં છુપાવી
મહિલા ગ્રાહક બનીને શો રૂમમાં પ્રવેશી હતી અને સોના તથા ડાયમંડના દાગીના જોવા માંગ્યા હતા. દાગીના નિહાળતી વખતે તેણે પોતાની વાતોમાં સ્ટાફને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટાફની નજર ચૂકવી મહિલાએ એક કિંમતી ગોલ્ડ-ડાયમંડની ઈયરરિંગ્સ તથા ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી હતી. મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળ્યા
જોકે, મહિલાની હિલચાલ પર સ્ટાફને શંકા જતાં દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી. તેમાં કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું જણાતા સ્ટાફે મહિલાની પૂછપરછ શરૂ કરી હતી. સ્ટાફની સતર્કતા અને કડકાઈ સામે મહિલા ગભરાઈ જતાં તેના મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળી આવ્યા હતા. આ રીતે લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. મહિલાની અટકાયત કરાઈ હતી
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા દ્વારા અગાઉ પણ અન્ય મોટા જ્વેલરી શોરૂમોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલાનું બેકગ્રાઉન્ડ ચેક કરાયું
પોલીસ હવે મહિલાના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી રહી છે. સાથે જ તે કોઈ સંગઠિત ગેંગ સાથે સંકળાયેલી છે કે, નહીં તેમજ અગાઉ વડોદરા શહેરના અન્ય જ્વેલર્સ પાસે સમાન પ્રકારની ચોરીની ઘટનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ બાદ શહેરના જ્વેલરી શોરૂમ સંચાલકો અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. પોલીસે કિંમતી દાગીનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને વધુ સતર્ક રહેવા અને શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. સ્ટાફની સતર્કતાના કારણે ચોરીથી બચ્યા
શો રૂમના મેનેજર પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે, અમારા ત્યાં એક મહિલા આવ્યા હતા. તેમણે અમારી પાસે વસ્તુઓ જોવાના બહાને એક કાનની બુટ્ટી અને વીંટીની ચોરી કરી હતી. એ ચોરી કરીને સ્વીકારવા તૈયાર જ નહોતા. પછી સ્ટાફની સતર્કતાના કારણે અમે આ ચોરીથી બચ્યા છીએ. સીસીટીવી કેમેરામાં અમે ચેક કર્યું હતું, તો એમાં અમારે બધુ સ્પષ્ટ આવતું હતું. આજના ભાવના હિસાબે લાખ રૂપિયાની વસ્તુ થાય છે. ફરિયાદ ના કરતા મહિલાને છોડી દીધી
તો બીજી તરફ મહિલાને આ બાબતે પૂછતા મહિલા મીડિયાના કેમેરાથી બચતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોઈ જવાબ પણ આપ્યો નહોતો. ત્યારબાદ મહિલાને અકોટા પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. જોકે આ મામલે શો રૂમ સંચાલકોએ કોઈ પોલીસ ફરિયાદ કરી નહોતી. જેથી પોલીસે મહિલાને છોડી દીધી હતી. મહિલાની માનસિક સ્થિતિ જોતા શો રૂમ સંચાલકોએ ફરિયાદ કરી નથી: PI
અકોટા પોલીસ સ્ટેશનના PI ડી.વી.બલદાણીયાએ જણાવ્યું હતું કે, શોરૂમમાં મહિલાએ ચોરી કરી હોવાની માહિતી મળતા અમારી ટીમ પહોંચી ગઈ હતી, ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. અમે મહિલાની પૂછપરછ પણ કરી હતી, પરંતુ મહિલાની માનસિક સ્થિતિ જોતા શો રૂમ સંચાલકોએ ફરિયાદ કરી નથી.
Read Original Article →