આજવા રોડ પર જ્વેલર્સ ભાઈઓ પર જીવલેણ હુમલો:CCTV મુદ્દે ફરિયાદની અદાવત રાખી 10થી 15 શખ્સોએ હુમલો કર્યો, એકને માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

Gujarat5/21/2026, 8:54:18 AM
આજવા રોડ પર જ્વેલર્સ ભાઈઓ પર જીવલેણ હુમલો:CCTV મુદ્દે ફરિયાદની અદાવત રાખી 10થી 15 શખ્સોએ હુમલો કર્યો, એકને માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા
વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધતો જાય છે. આજવા રોડ પર હરિ ટાઉનશીપમાં રહેતા અને દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા ત્રણ ભાઈઓ પર 10થી 15 શખસોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. CCTV કેમેરા લગાડવાની બાબતે થયેલી જૂની પોલીસ ફરિયાદની અદાવત રાખી ટોળાએ બાપોદ પોલીસ સ્ટેશન નજીક જ હુમલો કર્યો હતો. જ્વેલર્સની દુકાન ધરાવતા 3 ભાઈ પર હુમલો શહેરના આજવા રોડ પર હરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર મેવાડા, સુનિલ મેવાડા અને વિપુલ મેવાડા નામના ત્રણ ભાઈઓ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.હરિ ટાઉનશીપમાં સીસીટીવી કેમેરા લગાડવાની બાબતે અગાઉ થયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી યતીન, યશ, અનિલ સહિત 10થી 15 શખસોએ જ્વેલર્સ ભાઈઓને નિશાન બનાવ્યા હતા. હુમલામાં એકને માથાના ભાગે ગંભીર ઈજા બાપોદ પોલીસ સ્ટેશન નજીક જ ટોળાએ ત્રણેય ભાઈઓ પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. હુમલામાં એક ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 'પોલીસની હાજરીમાં હુમલો થયો' જ્વેલર્સ પરિવારનું કહેવું છે કે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની હાજરીમાં જ હુમલો થયો હતો છતાં પોલીસ દર્શક બની રહી હતી. જેના કારણે બાપોદ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, સારવાર માટે એસએસજી હોસ્પિટલ પહોંચેલા ભાઈઓની રેકી કરી હોસ્પિટલના કેન્ટીન પાસે અન્ય એક ભાઈને ઘેરી માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. યતીન, યશ સહિત 10 શખસોએ હુમલો કર્યો જ્યારે અન્ય એક ભાઈને એકતા નગર પાસે રોકી હુમલો કરી તેની પાસે રહેલી બેગ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણેય ભાઈઓએ આરોપ લગાવ્યો છે કે હરિ ટાઉનશીપમાં રહેતા યતીન, યશ, અનિલ સહિત અન્ય શખસોએ મળીને હુમલો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન તેમજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે.
Read Original Article →