'દોઢ કલાકથી મારી માની ડેડબોડી પડી છે':સ્થાનિકે પોલીસને કહ્યું-હાઇ વે બંધ કરી દે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી થતી?, અમદાવાદ-મુંબઈ NH પર પુત્રની નજર સામે બસે માતાને કચડી

Gujarat6/4/2026, 5:53:50 AM
'દોઢ કલાકથી મારી માની ડેડબોડી પડી છે':સ્થાનિકે પોલીસને કહ્યું-હાઇ વે બંધ કરી દે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી થતી?, અમદાવાદ-મુંબઈ NH પર પુત્રની નજર સામે બસે માતાને કચડી
વડોદરાના જાંબુવા બ્રિજ નજીક બુધવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પુત્ર સાથે એક્ટિવા પર ફરવા નીકળેલા આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિબેન પંડ્યાને પૂરપાટ ઝડપે આવેલા લક્ઝરી બસ ચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રની નજર સામે જ બસના ચાલકે માતાને કચડી નાખી હતી. જેને પગલે પુત્ર સહિત પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે કપુરાઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. આ દૃશ્યો સૌ કોઈને હચમચાવી દે તેવા હતા. સાથે જ પરિવારજનોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. મૃતકના પુત્ર સંજીવ પંડ્યાએ જણાવ્યું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે મારી મમ્મી ત્યાં જ નીચે પડી ગઈ અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા થઈ, માથું ફાટી ગયું હતું. મારી મમ્મીનું ઘટનાસ્થળે જ જ મૃત્યુ થઈ ગયું. અમે તુરંત જ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી લીધી હતી. પોલીસવાળા આવ્યા ખરા પણ અત્યાર સુધી કોઈ જ એક્શન નથી લીધા. છેલ્લા દોઢ કલાકથી મારી મમ્મીની ડેડ બોડી અહીં રસ્તા પર પડી રહી હતી. એક નહીં પણ ત્રણ-ત્રણ પી.સી.આર. વાન અહીં આવીને ઊભી હતી, તો પણ કોઈ જ કાર્યવાહી કરી નહોતી. ‘પોલીસવાળા બસ હાથ પર હાથ ધરીને ઊભા રહી ગયા હતા’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસવાળા બસ હાથ પર હાથ ધરીને ઊભા રહી ગયા હતા. કોઈ કશું બોલતું નહોતું કે કોઈ સંતોષકારક જવાબ પણ નહોતું આપતું કે હવે આગળ શું કરવાનું છે. આટલી મોટી ઘટના બની હોવા છતાં તેઓ બીજી એમ્બ્યુલન્સ બોલાવવા માટે તૈયાર નહોતા. મૃતક આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા શહેરના મકરપુરા એરફોર્સ પાછળ આવેલી હરિદર્શન પેલેસ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય સંજીવ અનિલભાઈ પંડ્યાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની માતા જાગૃતિબેન તાલુકા પંચાયત કચેરી સંચાલિત આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. જાગૃતિબેને ઉલટી થાય છે, કહેતા જ પુત્રએ એક્ટિવા ઉભું રાખ્યું ને લક્ઝરીએ ઉડાવ્યા બુધવારે રાત્રે જાગૃતિબેને પુત્ર સંજીવને એક્ટિવા પર ચક્કર મારવા જવાની વાત કરી હતી. બંને રાત્રે આશરે 9.15 વાગ્યે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઘર પાછળના રસ્તે થઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જામ્બુવા બ્રિજ તરફ જઈ રહ્યા હતા. બાલાજી પેટ્રોલ પંપ નજીક પહોંચતા જાગૃતિબેને ઉલટી થાય છે, તેમ કહેતા જ પુત્ર સંજીવે એક્ટિવા રસ્તાની નીચે ઉભી રાખી હતી. જાગૃતિબેન એક્ટિવામાંથી નીચે ઉતરી રસ્તા પાસે ઊભા હતા, ત્યારે રાત્રે આશરે 9.45 વાગ્યે તરસાલી બ્રિજ તરફથી આવતી એક લક્ઝરી બસના ચાલકે બસને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જાગૃતિબેનને ટક્કર મારી હતી. જાગૃતિબેન રસ્તા પર પટકાતા તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બસનો ચાલક બસ સાથે ફરાર થઈ ગયો, પુત્ર નંબર જોઈ શક્યો નહીં અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક બસ સાથે ફરાર થઈ ગયો હતો. પુત્ર સંજીવ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સમગ્ર અકસ્માત તેમની નજર સામે બન્યો હતો, પરંતુ બસનો નંબર તેઓ જોઈ શક્યા નહોતા.
Read Original Article →