વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત:મોડીરાત્રે છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ થઈ, સારવારમાં દમ તોડ્યો

Gujarat5/21/2026, 9:19:14 AM
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત:મોડીરાત્રે છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ થઈ, સારવારમાં દમ તોડ્યો
વડોદરા સેન્ટ્રલ જેલના એક કેદીની તબિયત અચાનક લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દર્દીને છાતીમાં અસહ્ય દુખાવો અને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હોવાથી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. આ મામલે રાવપુરા પોલીસે કેદીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેલ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું પણ જીવ ન બચાવી શકાયો મળતી વિગતો અનુસાર, વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામની સજા ભોગવી રહેલા વયવૃદ્ધ કેદી જામલા સુરસીંગ મેલા (ઉં.વ. 55) ને ગઈકાલે મોડી રાત્રે બેરેકમાં અચાનક જ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી હતી. કેદીની સ્થિતિ ગંભીર જણાતાં જેલ તંત્ર તુરંત જ એક્શનમાં આવ્યું હતું અને તેને ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબોએ તેને બચાવવા માટેના તબીબી પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પૂર્વે જ આધેડ કેદીએ દમ તોડી દીધો હતો. મોતનું સાચું કારણ જાણવા પેનલ પીએમ કરાશે જેલના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, કેદીના મોતના સત્તાવાર અને સાચા કારણો હજુ સુધી જાણી શકાયા નથી. હાર્ટ-એટેક અથવા શ્વાસ રૂંધાવાના કારણે મોત થયું હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે, પરંતુ સાચી કાનૂની વિગતો મેળવવા માટે મૃતકનું પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હાલમાં મૃતદેહને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. જેલ કસ્ટડી દરમિયાન કેદીના મોતની આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા કાયદાકીય કાગળો તૈયાર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →