SC યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણનો પ્રયાસ:સગા ભાઈએ સહિતના ત્રણે ઘરમાં ઘૂસી તોડફોડ કરી; ગળામાં રહેલી ઓઢણીથી બહેનને ઢસડી
વડોદરા શહેરના વડસર ગામ વિસ્તારમાં આંતરજાતીય પ્રેમલગ્નનો વિરોધ કરીને યુવતીના સગા ભાઈ સહિત ત્રણ લોકોએ યુવકના ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. તેમજ યુવકની પત્ની (પોતાની સગી બહેન)ને ગળાથી ઢસડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચકચારી ઘટના અંગે પીડિત પરિવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડિસેમ્બરમાં કર્યા હતા પ્રેમલગ્ન, યુવતીનો પરિવાર નારાજ
પ્રાપ્ત વિગતો અનુસાર, વડસર ગામના સોલંકી ફળિયામાં રહેતા વિશાલ વિનોદભાઈ સોલંકીએ ડિસેમ્બર, 2025માં તરસાલી ખાતે રહેતી અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. વિશાલ અનુસૂચિત જાતિ (SC)માંથી આવતો હોવાથી યુવતીના પરિવારજનો આ લગ્ન સંબંધથી સહેજ પણ રાજી ન હતા અને મનમાં ભારે અદાવત રાખતા હતા. દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા, બહેનને ઓઢણીથી ઢસડી
ગત 21 મેના રોજ બપોરના સમયે યુવતીનો સગો ભાઈ પોતાના બે સાગરીતો સાથે અચાનક વિશાલના ઘરે ધસી આવ્યો હતો. વિશાલે ઘરનો મુખ્ય દરવાજો ન ખોલતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ દરવાજો તોડી નાખ્યો હતો અને ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસતાની સાથે જ આરોપીઓએ વિશાલને બેફામ ગાળો આપીને ગડદા-પાટુનો બેરહેમ માર માર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ વિશાલની પત્નીના ગળામાં રહેલી ઓઢણી પકડીને તેને બળજબરીપૂર્વક ઘરની બહાર ઢસડી કાઢી હતી અને ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવાર વચ્ચે પડતાં તેમને પણ ઝૂડી નાખ્યા, પોલીસે તપાસ તેજ કરી
આ હિંસક હુમલા દરમિયાન પુત્ર અને પુત્રવધૂને બચાવવા માટે વચ્ચે પડેલા વિશાલના પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો પર પણ આરોપીઓ તૂટી પડ્યા હતા અને તેમને પણ માર માર્યો હતો. હુમલા અને ખેંચતાણને કારણે પીડિત પરિવારે બૂમાબૂમ કરી મૂકતા આસપાસના ફળિયાના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોનું ટોળું ધસી આવતા જ ત્રણેય હુમલાખોરો યુવતીને મૂકીને ત્યાંથી બાઇક પર ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ ગભરાયેલો પીડિત પરિવાર તાત્કાલિક માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે વિશાલની ફરિયાદના આધારે યુવતીના ભાઈ સહિત 3 ઈસમો સામે ઘરમાં ઘૂસી હુમલો કરવા, ધમકી આપવા અને અપહરણનો પ્રયાસ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →