હનુમાનજીની કથા સ્થળે લઘુમતીના રાઈડ્સ સંચાલનથી હોબાળો:હિન્દુ સંગઠને રાઈડ્સ બંધ કરાવી એક-એકના નામ પૂછ્યા, 50 % ભાગીદારીનો કોન્ટ્રાક્ટર હિન્દુ હોવાનો કાર્યકરોનો આક્ષેપ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથાની બહાર રાઈડ્સના સંચાલન મુદ્દે વિવાદ ઊભો થયો છે.કથા સ્થળે નાના બાળકો માટે રાખવામાં આવેલી રાઇડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકોને આપ્યું હોવાનો કોન્ટ્રાક્ટર પર સ્થાનિક હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે.આ મુદ્દે સંગઠનના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હોબાળો મચાવીને રાઇડસ બંધ કરાવી હતી. ઘનશ્યામ વાવડિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટમાં લઘુમતી સમાજના લોકો સાથે ભાગીદારી કરી હોવાનો પણ હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે. રાત્રિના સમયે કથા સ્થળે સંગઠનના લોકો પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં રાઇડ્સ બંધ કરાવી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. ‘હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી’
હિન્દુ સંગઠનના યુવાનોનો આક્ષેપ છે કે, લઘુમતી સમાજના લોકોને રાઈડ્સનું સંચાલન આપીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી છે,જેના કારણે ભારે રોષ ફેલાયો છે.આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે,જેને પગલે મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ‘કથા સ્થળે અમારા કાર્યકરોએ ચેકિંગ કર્યું’
હિન્દુ એકતા સંગઠનના સભ્ય નયન સકપાલએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ હિન્દુ સંગઠન ગોત્રી દ્વારા આ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અત્યારે કલાનગરી ગ્રાઉન્ડ ઉપર હનુમાનજીની કથા ચાલી રહી છે. ત્યાં શાંતિનો ભંગ ન થાય અને અપવિત્રતા ન ફેલાય તે હેતુથી અમે અહીં આવ્યા હતા. અમે કથા સ્થળે મેળાની અંદર અને બહાર એમ બંને બાજુ ચેકિંગ કર્યું.આ દરમિયાન અમને જાણવા મળ્યું કે,મેળામાં જેટલી પણ રાઈડ્સ છે, તે તમામ રાઈડ્સના માલિકો લઘુમતી સમાજના લોકો છે. ‘હિન્દુ કોન્ટ્રાક્ટર 50 ટકા ભાગીદારીમાં છે’
નયન સકપાલે વધુમાં જણાવ્યું હતું કે,આ રાઈડ્સના કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈ નામના એક હિન્દુ વ્યક્તિ છે.તેમણે 50 ટકાની ભાગીદારીમાં આ લોકોને હનુમાનજીની કથાની બાજુમાં જ રાઈડ્સનું સંચાલન આપેલું છે.આ બાબતને ધ્યાનમાં રાખીને અને હિન્દુત્વની પવિત્રતા જળવાઈ રહે તે માટે અમે અત્યારે આ બધી જ રાઈડ્સ બંધ કરાવી દીધી છે. આ સમગ્ર મુદ્દે કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ જણાવ્યું હતું કે,કથામાં આપણે રાઈડ્સ ચલાવવા માટે માણસો રાખેલા છે.એમાં બે-ત્રણ છોકરાઓ હતા.જે યુપીના છોકરાઓ હતા,તે વતનમાં ગયા હોવાથી આ નવા છોકરાઓ રાખ્યા હતા.એ બાબતે કોઈકે માથાકૂટ કરી હશે પણ હવે બધું પતી ગયું છે.એમની સાથે કોઈ ભાગીદારી નથી.એ માત્ર મારા માણસો જ છે અને રાઈડ્સ પણ મારી પોતાની જ છે.
Read Original Article →