વડોદરામાં પારો 43 ડિગ્રીને પાર:અસહ્ય ગરમી વચ્ચે વૃદ્ધાનું મોત, SSG હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર
વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો છે. આકરી ગરમીના કારણે લોકોમાં સામાન્ય ફ્લૂ, ઝાડા-ઊલ્ટી જેવા રોગ પણ જોવા મળી રહ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલ ખાતે જનરલ ઓપીડીમાં સામાન્ય વધારો થયો છે. જો કે, હોસ્પિટલ દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો શહેરના આજવા રોડ ઉપર રહેતા એક મહિલાને ઘરે ગભરામણ થયા બાદ તેઓનું મોત નીપજ્યું હતું. SSG હોસ્પિટલ તંત્ર સજ્જ
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલ ખાતે હાલમાં હીટ સ્ટ્રોક માટે અલાયદો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે હાલ સુધીમાં આ વોર્ડમાં કોઈ દાખલ થયું નથી. ઉપરાંત ગરમીની શરૂઆતથી જ શહેરમાં સામાન્ય ફ્લૂ, ઝાડા-ઊલ્ટી જેવા કેસોમાં સામાન્ય વધારો થયો છે. હોસ્પિટલના ઈનચાર્જ RMO જાગૃતિ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં દર્દીઓની સંખ્યામાં કોઈ એવો ખાસ વધારો જોવા મળ્યો નથી, પરંતુ જો દર્દીઓની સંખ્યા વધશે તો અમે સજ્જ છે. ખાસ વોર્ડ પણ તૈયાર છે, જેથી કોઈ મુશ્કેલી નહીં પડે. ઘરે ગભરામણ થયા બાદ મહિલાનું મોત
વડોદરા SSG હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, શહેરના આજવા રોડ ઉપર રહેતા 74 વર્ષીય કમુબેન પરમારને ઘરે જ અચાનક ગભરામણ થઈ હતી, જેઓને 108 મારફતે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જો કે તેઓનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને મોતનું કારણ શોધવાના પ્રયાસો કરાયા હતા. બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી
અસહ્ય ગરમીના કારણે બાળકો તેમજ વૃદ્ધોની હાલત કફોડી બની છે. ગરમીના કારણે બીમાર વૃદ્ધો માટે પરેશાની વધી છે. સવારે 10 વાગ્યાથી જ ગરમી વધી જાય છે અને મધ્ય રાત્રિ સુધી તેની અનુભૂતિ થાય છે. સાંજે 7 કલાકે પણ ગરમ પવનની લહેરકીઓ જોવા મળે છે ત્યારે બપોરના સમયે તો આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થાય છે. બપોરે 12થી 4 બહાર ન નીકળવા સલાહ
SSG હોસ્પિટલના ઈનચાર્જ RMO જાગૃતિ ચૌહાણે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, બપોરના સમયે કામ ન હોય તો ઘર કે ઓફિસની બહાર ન નીકળવું, સતત પાણી પીવું, ઓઆરએસનો ઉપયોગ કરો અને સુતરાઉ કપડાં પહેરવાનું રાખો. ગરમીથી બચવાના તમામ ઉપાયો કરવા જરૂરી છે.
Read Original Article →