વડોદરામાં બે જૂથ વચ્ચે લાકડી-પથ્થરો ઉછળ્યા, VIDEO:ગટર સફાઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો

Gujarat5/19/2026, 2:15:29 PM
વડોદરામાં બે જૂથ વચ્ચે લાકડી-પથ્થરો ઉછળ્યા, VIDEO:ગટર સફાઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો
વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલ વાડામાં બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીને કારણે ભારે હંગામો સર્જાયો હતો. ગટર સફાઈ મુદ્દે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની જતા બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે મારામારી દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાવપુરાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ભાસ્કર વિઠ્ઠલના વાડામાં ગટર લાઇનની સફાઈ મુદ્દે બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે બંને પક્ષે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગટર સફાઈ મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી પ્રથમ ફરિયાદમાં ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતા રવિન્દ્ર વામનરાવ મોરે (ઉં.વ.58) એ જણાવ્યું હતું કે, તેઓ પંજાબી ફૂડની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે સવારે તેઓ ઘરે પૂજા કરી રહ્યા હતા ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ ગટર સાફ કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેઓ તેમની બહેન ગીતા મોરે તથા કોર્પોરેશનના કર્મચારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતી મૈથાલી મંદાર ચીંદડે અગાઉ ગટર મુદ્દે થયેલી બોલાચાલીનું મનદુખ રાખી ગાળો બોલવા લાગી હતી. ત્યારબાદ મૈથાલી ચીંદડે, તેની માસી, માસીનો દીકરો અને તેનો મિત્ર ત્યાં આવી બોલાચાલી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. મૈથાલી ચીંદડેના માસીના દીકરાએ રવિન્દ્ર મોરેના ભત્રીજા અવિનાશ મોરેને માર માર્યો હતો તેમજ પથ્થર વડે માથામાં ઇજા પહોંચાડી હતી. અવિનાશને બચાવવા જતા રવિન્દ્ર મોરેને પણ માથાના ડાબા ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઉપરાંત તેમની ભત્રીજી માધુરી મોરેને પણ મોબાઇલ વડે માથાના પાછળના ભાગે ઇજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારમારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખસેડાયા બીજી તરફ, ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતી મંત્રવીબેન મંદાર ચીંદડે (ઉં.વ.30) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારે કોર્પોરેશનના કર્મચારીઓ ગટર લાઇન સાફ કરવા આવ્યા હતા ત્યારે રવિન્દ્ર અને ગીતા મોરે જોરજોરથી વાતો કરતા હતા. તેઓએ માધુરી મોરેને ગટર લાઇન સાફ કરવા દેવા અંગે સમજાવતા માધુરી ઉશ્કેરાઈ ગઈ હતી અને અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડો વધતા મંત્રવીબેનના માસીના દીકરા મિહિર ડોગરે છોડાવવા આવ્યા હતા ત્યારે અવિનાશ મોરેએ તેમની સાથે મારામારી કરી મોઢા તથા કાન પાછળ ઇજા પહોંચાડી હતી. તેમજ માસી ગૌરી ડોગરે વચ્ચે પડતા તેમને પણ ઈંટ વડે માથામાં ઇજા પહોંચાડી હતી. સાથે જ રવિન્દ્ર અને ગીતા મોરેએ પણ વાળ ખેંચી ધક્કામુક્કી કરી અપશબ્દો બોલ્યા હતા. બંને પક્ષની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →