કોસીન્દ્રામાં ત્રિદિવસીય સરકારી યોજના સહાય શિબિર:લોકોને એક જ સ્થળે સરકારી સેવાઓનું માર્ગદર્શન અને દસ્તાવેજીકરણની સુવિધા, ફિક્કી ફ્લો અને દીપક ફાઉન્ડેશનનું આયોજન
વડોદરાના ગ્રામ્ય વિસ્તારના પાત્રતા ધરાવતા પરિવારો અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ તેમજ તેના માટે જરૂરી દસ્તાવેજીકરણની સુવિધાઓ એક જ સ્થળે અને સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુસર એક વિશેષ પહેલ કરવામાં આવી છે. ફિક્કી ફ્લો વડોદરા અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી સંગાથ પ્રોજેક્ટ અંતર્ગત એક વિશેષ જનજાગૃતિ અને સહાય શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. આજથી 12 જૂન સુધી આ કેમ્પ
આ લોકઉપયોગી શિબિરનું આયોજન આજથી 12 જૂન, 2026 દરમિયાન સવારે 10:00 વાગ્યાથી વડોદરા નજીકના કોસીન્દ્રામાં કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામજનોને સીધો સરકારી સેવાઓનો લાભ પૂરો પાડવામાં આવશે. આ ત્રિદિવસીય શિબિરનો મુખ્ય આશય ગ્રામજનોને તેમની પાત્રતા મુજબની વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવાનો, અરજી ફોર્મ ભરવામાં મદદ કરવાનો અને યોજનાઓનો વાસ્તવિક લાભ તેમના સુધી પહોંચાડવાનો છે. યોજનાથી લોકો વંચિત ના રહે તે માટે શિબિર
શિબિરમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવક અને જાતિના દાખલા, ઈ-શ્રમ કાર્ડ જેવા અગત્યના વ્યક્તિગત અને સામાજિક દસ્તાવેજો સંબંધિત જરૂરી માર્ગદર્શન, સુધારા-વધારા તેમજ નવી નોંધણી માટેની વહીવટી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારી કાગળોની જટિલ પ્રક્રિયાને કારણે યોજનાઓથી વંચિત રહી જતા લોકો માટે આ શિબિર આશીર્વાદરૂપ સાબિત થશે. કિસાન સન્માન નિધિ અને આઈ-ખેડૂત પોર્ટલની સેવાઓ ઉપલબ્ધ
વધુમાં, સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે વિધવા સહાય, વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શન, સંકટ મોચન કુટુંબ સહાય અને માનવ કલ્યાણ યોજના અંગે પણ ફોર્મ ભરવાની કામગીરી કરાશે. આ સાથે જ પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, વહાલી દીકરી, સુકન્યા સમૃદ્ધિ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી, નમો શ્રી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના ફોર્મ પણ સ્વીકારાશે. આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ તેમજ કૃષિ ક્ષેત્રે પીએમ કિસાન સન્માન નિધિ અને આઈ-ખેડૂત પોર્ટલની સેવાઓ ઉપલબ્ધ રહેશે. તમારી યોજના, તમારા હક, તમારી માહિતીનો પ્રેરણાદાયી સંદેશ
જાણો તમારી યોજના - તમારા હક, તમારી માહિતીના પ્રેરણાદાયી સંદેશ સાથે આયોજિત આ શિબિરનો લાભ લેવા અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના આ કાર્યમાં સહભાગી થવા ફિક્કી ફ્લો અને દીપક ફાઉન્ડેશને તમામ ગ્રામજનોને હાર્દિક આમંત્રણ આપ્યું છે. આ અંગે ફિક્કી ફ્લોના અમૃતા પટેલે જણાવ્યું હતું કે, વધુમાં વધુ ગ્રામજનો આ અંગેનો લાભ લે તે આશયથી અમે ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ યોજી રહયા છે. આખા વર્ષ દરમિયાન એમ 10,000 થી વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવો અમારો ધ્યેય છે.
Read Original Article →