ડોક્ટરો પર હુમલાને લઈને ગોત્રી હોસ્પિટલમાં કૉમ્બિંગ:DCP ઝોન 1માં હોસ્પિટલ વહીવટી તંત્ર અને સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝરો સાથે રાખી પરિસરનું સંયુક્ત નિરીક્ષણ કર્યું, સુરક્ષાની સમીક્ષા કરી
ડોક્ટરો પર થઈ રહેલા હુમલાને લઈને વડોદરા શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને સ્ટાફની સુરક્ષા વધુ મજબૂત કરવાના હેતુથી DCP ઝોન-1 આજે હોસ્પિટલની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન DCP તેમની ટીમ, હોસ્પિટલ વહીવટી તંત્ર અને સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝરો સાથે રાખી સમગ્ર પરિસરનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સની તપાસ કરીને સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડના તૈનાતીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ઇમરજન્સી સમયે સુરક્ષા એજન્સીની સજ્જતાની ચકાસણી પણ કરી હતી. ડીસીપી ઝોન 1 ડૉ. જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે આજે તબીબી વિભાગ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન)ની વિવિધ ટીમો વચ્ચે એક કોર્ડિનેશન મીટિંગ અને ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે, છેલ્લા થોડા સમયમાં SSG હોસ્પિટલમાં એક-બે બનાવો બન્યા હતા. તે બાબતે વિશેષ તકેદારી રાખવા માટે અને પોલીસ તથા તબીબી વિભાગ વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે, તે આ પ્રયાસનો મુખ્ય ભાગ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે હોસ્પિટલના બિલ્ડિંગ્સની જોઈન્ટ વિઝિટ કરી છે. વડોદરા શહેર અને તેની આસપાસના જિલ્લાઓ તથા તાલુકાઓમાંથી મધ્યમ અને નિમ્ન-મધ્યમ વર્ગના પરિવારો અહીં સારવાર અર્થે આવતા હોય છે. દર્દીઓ અને તેમની સાથે આવતા સગા-સંબંધીઓને કોઈ તકલીફ ન પડે અને તેમને ઉત્તમ સેવાઓ મળી રહે, તે માટે RMO સાહેબ, અન્ય તબીબો અને અમારી પોલીસ ટીમ અત્યારે સક્રિય રીતે કાર્ય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરની ઘટનાઓને જોતા, હોસ્પિટલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન અને સિક્યુરિટી એજન્સી વચ્ચે સંકલન સાધવા આ નિરીક્ષણ અત્યંત મહત્વનું છે. સુરક્ષા એજન્સીના સુપરવાઇઝરોને પણ જરૂરી સૂચનાઓ આપી પ્રોટોકોલ કડક કરવા આદેશ આપવામાં આવ્યા છે.
Read Original Article →