વડોદરામાં ઉનાળામાં મફત છાશ વિતરણ:રાજપીપળા મિત્ર મંડળ અને રેવાપાર્ક યોગ પરિવાર દ્વારા કામગીરી કરાઈ

Gujarat5/16/2026, 11:29:04 AM
વડોદરામાં ઉનાળામાં મફત છાશ વિતરણ:રાજપીપળા મિત્ર મંડળ અને રેવાપાર્ક યોગ પરિવાર દ્વારા કામગીરી કરાઈ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા કલાદર્શન ચાર રસ્તા પાસે રાજપીપળા મિત્ર મંડળ અને રેવાપાર્ક યોગ પરિવાર દ્વારા છેલ્લા છ વર્ષથી નિરંતર લોકસેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાઓ સ્વર્ગસ્થ પૂજ્ય ભગવતીપ્રસાદ પુરોહિત દાદાના સેવાભાવી વિચારોથી પ્રેરિત થઈને દર વર્ષે ઉનાળામાં મફત છાશ વિતરણ કેન્દ્ર ચલાવે છે. આ સેવા કાર્ય દર વર્ષે 1 મે થી 31 મે દરમિયાન બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલે છે. અર્જુનભાઈ દેસાઈની ઓફિસ, ઉમા બેંકની બાજુમાં, નાલંદા પાણીની ટાંકી નીચે, કલાદર્શન ચાર રસ્તા ખાતે આ કેન્દ્ર કાર્યરત છે. અહીં દરરોજ અંદાજે 800થી 1000 રાહદારીઓને મસાલાવાળી ઠંડી છાશ નિઃશુલ્ક પીવડાવવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં, જ્યારે તાપમાન 43થી 47 ડિગ્રી સુધી પહોંચે છે, ત્યારે રસ્તા પરથી પસાર થતા શ્રમિકો, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને આ સેવા ખૂબ રાહત અને ઠંડક પૂરી પાડે છે. આ સેવાયજ્ઞ નિરંતર ચાલી રહ્યો છે. તાજેતરમાં, 16મે, શનિવારના રોજ શનિ જયંતિ અને અમાસના વિશેષ દિવસે, રમેશભાઈ જયસ્વાલના સહયોગથી છાશને બદલે પાઈનેપલ અને ઓરેન્જનો ઠંડો શરબત પણ વિતરણ કરવામાં આવ્યો હતો. આ પહેલને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. રાજપીપળા મિત્ર મંડળના પ્રમુખ અર્જુનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, "સાચા અર્થમાં સેવા એ માત્ર દાન નથી, પરંતુ મનુષ્યમાં રહેલા ઈશ્વરનું સન્માન છે. કાળઝાળ ગરમીમાં તરસેલા અને થાકેલા માણસને એક ગ્લાસ ઠંડી છાશ આપવી એ માત્ર શરીરને શાંતિ આપવી નથી, પરંતુ જીવનની કઠિન મુસાફરીમાં થોડો સ્નેહ અને માનવતા આપવા સમાન છે." તેમણે ઉમેર્યું કે આવા સેવાયજ્ઞોમાં ભગવાન પરિશ્રમ કરતા શ્રમિકોના સ્મિતમાં દર્શન આપે છે અને 'દરિદ્રનારાયણ સેવા'નો આ ભાવ અત્યંત પ્રેરણાદાયક છે. રાજપીપળા મિત્ર મંડળ અને રેવાપાર્ક યોગ પરિવારના સર્વે સભ્યો સમય, દાન અને નિઃસ્વાર્થ ભાવથી આ કાર્યમાં જોડાઈ સેવા આપી રહ્યા છે. ભારે ગરમીમાં દરરોજ અનેક ભાઈઓ અને બહેનો સતત ઊભા રહી આ સેવાયજ્ઞને સફળ બનાવી રહ્યા છે. આ કાર્ય માત્ર સેવા નહીં, પરંતુ સમાજ માટે માનવતાનો જીવંત પાઠ બની રહ્યું છે.
Read Original Article →