4.92 કરોડની ઠગાઈના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો:સસ્તુ સોનું અને 10 કરોડની લોનના બહાને કમિશન પેટે એડવાન્સ રકમ મેળવી, આરોપી સામે 7 ગુનાઓ નોંધાયેલા
વડોદરા શહેરમાં 4.92 કરોડ રૂપિયાની ઠગાઈના ગુનામાં વધુ એક ફરાર અને રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સસ્તુ સોનું અપાવવાના તેમજ રૂ.10 કરોડની લોન અપાવવાના બહાને કમિશન પેટે એડવાન્સ રકમ મેળવી આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ રૂ.4,92,50,000ની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ ધરપકડથી બચવા માટે ફરાર થયા હતા
આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ બાકી રહેલા આરોપીઓ ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન ફરાર આરોપી યુનુસ ઉર્ફે દાતરો ઉર્ફે લાલાભાઈ છોટુમિયાં મિર્ઝા (ઉ.વ.50), રહે. નવરંગ એપાર્ટમેન્ટ, એમ્પરર બિલ્ડિંગ પાસે, ફતેગંજ, વડોદરા શહેરને પાદરા નજીક સાંગમા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે
આરોપી સામે અગાઉથી જ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું તેમજ તેને નાસતો ફરતો જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુનુસ ઉર્ફે દાતરો વિરુદ્ધ અગાઉ ઘરફોડ ચોરી, ઠગાઈ, વિશ્વાસઘાત, પ્રોહિબિશન સહિતના કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં કારેલીબાગ, પાણીગેટ, સયાજીગંજ અને ડીસીબી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. ફરિયાદ શું હતી?
વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો અનુસાર, વર્ષ 2025માં ગેંડા સર્કલ પાસે આવેલી ‘રાધે એન્ટરપ્રાઈઝ ઇનપોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાયનાન્સ’ ઓફિસમાં આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. તેમને બજાર કરતાં ઓછી કિંમતે સોનું આપવાની લાલચ આપી રૂ.4,61,50,000ની રકમ લીધી હતી. ઉપરાંત, રૂ.10 કરોડની લોન અપાવવાના બહાને કમિશન તરીકે રૂ.31,00,000 વધુ મેળવી લીધા હતા. આમ કુલ રૂપિયા 4.92 કરોડની માતબર રકમ લઈને આરોપીઓ સોનું કે લોન કોઈ પણ આપ્યા વિના ફરાર થઈ ગયા હતા. બેંગલોરમાં પણ આરોપી સામે સામે છેતરપિંડીના કેસ
અગાઉ ઝડપાયેલ આરોપી ઈલ્યાસખાન અજમેરી રીઢો ગુનેગાર છે. તેની સામે વડોદરાના રાવપુરા, સયાજીગંજ, જે.પી. રોડ, અટલાદરા અને ડી.સી.બી. સહિતના પોલીસ સ્ટેશનોમાં અનેક ગુના નોંધાયેલા છે. ઉપરાંત છોટાઉદેપુર, જેતલપુર અને કર્ણાટકના બેંગલોરમાં પણ તેની સામે છેતરપિંડીના કેસો નોંધાયા છે. તે દેશના વિવિધ ભાગોમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી લોકોને કરોડો રૂપિયાની ઠગાઈ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Read Original Article →