વિદેશી ખાદ્ય પદાર્થોના 31 નમૂનાઓ લેવામાં આવ્યા:વડોદરામાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ફૂડ યુનિટ્સ પર ફૂડ સેફટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા
વડોદરા શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ અધિક આરોગ્ય અમલદારના સીધા માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ઇ-કોમર્સ પ્લેટફોર્મના વેરહાઉસ અને અન્ય જાણીતા ખાદ્યપદાર્થોના એકમો પર આકસ્મિક ચેકિંગની કડક કામગીરી કરવામાં આવી હતી. તંત્રની આ અચાનક હાથ ધરાયેલી કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 7 યુનિટ ઉપર આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું
આ આકસ્મિક તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા વડોદરા શહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા વિસ્તારો જેવા કે માંજલપુર, ગોત્રી-સેવાસી રોડ, રાવપુરા, સમા-સાવલી રોડ, ઓલ્ડ પાદરા રોડ અને વાઘોડિયા રોડ પર આવેલા જુદા જુદા ખાદ્યપદાર્થોના યુનિટોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સઘન ચેકિંગ પ્રક્રિયા દરમિયાન કુલ 5 રીટેલર અને 2 રીટેલર-હોલસેલર મળીને કુલ 7 મોટા ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા યુનિટો પર વિગતવાર ઇન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. બજારમાં ખૂબ જ લોકપ્રિય અને મોંઘા ભાવે વેચાતી વિદેશી બ્રાન્ડ્સ અને આયાતી ખાદ્યપદાર્થો શંકાના દાયરામાં આવતા, અધિકારીઓએ સ્થળ પરથી મોટા પાયે સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. ચર્ચામાં રહેલી ચીજવસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા
આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓ દ્વારા માર્સમેલો પિન્ક એન્ડ વ્હાઇટ, ભારે ચર્ચામાં રહેલી ચીઝકેક ફીલીંગ કુનાફા વિથ કંપાઉન્ડ ચોકલેટ, મિલ્ક ચોકલેટ હેઝલનટ, એસોર્ટેડ ડબલ ચોકલેટ, ડાર્ક ચોકલેટ, તેમજ ડેલ્ફી ટ્વીસ્ટર કેપેચીનો વેફરરોલ વીથ કેપેચીનો ફ્લેવર ક્રીમ જેવા પ્રીમિયમ ઉત્પાદનોના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત વિવિધ ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ સોસ જેવા કે સ્વીટ ચીલી સોસ, હોઈસીન સોસ, પ્રીમીયમ લાઇટ સોય સોસ, સીરાચા એક્સ્ટ્રા હોટ ચીલી સોસ તેમજ કાર્બોનેટેડ વોટર, સુચી રાઈઝ અને વિદેશી ફ્રૂટ જ્યુસ જેવા કે મેલન જ્યુસ ડ્રીંક વીથ નાટા-ડી-કોકો, ઓરેન્જ જ્યુસ ડ્રીંક વીથ નાટા-ડી-કોકો, પાઈનેપલ જ્યુસ ડ્રીંક, મોગુમોગુ જ્યુસ ડ્રીંક મેન્ગો અને પાઇનેપલ, ફીએસ્ટા બ્રાન્ડના કીવી, મિક્સ ફ્રૂટ અને બ્લુબેરી જ્યુસના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન 2020ની કાયદાકીય જોગવાઈઓના પાલન અંગે ચકાસણી
યુવાધનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોઇમોઇ પોપીંગ બોબા (પીચ, ગ્રેપ, લીચી, મેન્ગો ફ્લેવર) અને ફૂટ બેઝ ડ્રીંક પ્રાઈમ આઈસ હાઇડ્રેશન ઓરેન્જ ફ્લેવર તેમજ બ્લેક કરન્ટ, ચોકલેટ ફોરેરો રોસેર, ચોકલેટ લીન્ટ લીન્ડોર, વ્હાઇટ કેશલ કુકીસ અને ફૂટ સ્પ્રેડ બ્લુબેરી સહિતના કુલ-31 જેટલા નામાંકિત ઇમ્પોર્ટેડ ખાદ્યપદાર્થોના નમૂનાઓ કાયદેસરની પ્રક્રિયા કરીને જપ્ત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ તમામ આયાતી નમૂનાઓમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન 2020ની કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસમાં ખાસ કરીને પ્રોડક્ટ પર ઇમ્પોર્ટેડ બાયની વિગતો, ફરજિયાત એફ.એસ.એસ.એ.આઈ. લાયસન્સ નંબર, પ્રોડક્ટનો લોટ નંબર અને બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, શાકાહારી કે માંસાહારી દર્શાવતો વેજ-નોનવેજ લોગો તેમજ ન્યુટ્રિશનલ વેલ્યુ વગેરે જેવી અત્યંત મહત્વની અને વૈધાનિક વિગતો યોગ્ય રીતે દર્શાવેલી છે કે નહિ તેની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી હતી.
Read Original Article →