સમોસાનો એક ટુકડો ખાધા બાદ વંદો નીકળતા ગ્રાહક હેબતાઈ ગયા:વડોદરામાં 24 કલાકમાં બે સ્થળોએ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળી, પાલિકાની ફૂડ શાખાની કામગીરી સામે સવાલો
વડોદરા શહેરમાં બહાર હોંશેહોંશે રૂપિયા ખર્ચીને ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી નાસ્તામાં જીવાત મળી આવવાની ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેને પગલે બજારમાં મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની ઢીલી નીતિ સામે આંગળી ચીંધાઈ રહી છે. શહેરમાં બે સ્થળે સમોસામાંથી જીવજંતુ નીકળ્યા
શહેરના વાડી ચોખંડી વિસ્તારમાં આવેલી શિવશક્તિ ફરસાણ દુકાનમાંથી ખરીદવામાં આવેલા સમોસામાંથી વંદો મળી આવ્યો હતો, જે જોઈને ગ્રાહકો હેબતાઈ ગયા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ સુભાનપુરા વિસ્તારમાંથી પણ સમોસામાંથી અન્ય જીવાત મળી આવવાનો બીજો કિસ્સો સામે આવ્યો છે. બે અલગ-અલગ પ્રતિષ્ઠિત કે ધમધમતા વિસ્તારોમાંથી એક સરખી ફરિયાદો ઉઠતા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાનું સાબિત થઈ રહ્યું છે. લોકો પોતાના કાળી મજૂરીના પૈસા ખર્ચીને જે ખોરાક આરોગે છે, તે જ ખોરાક રોગચાળાને આમંત્રણ આપી રહ્યો છે. મનપાની કથિત ચેકિંગની કામગીરી માત્ર કાગળ પર
આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ શાખાની નિષ્ક્રિયતા સામે વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના પૈસેથી તગડો પગાર મેળવતા ફૂડ ઇન્સ્પેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહે છે. પાલિકા દ્વારા કરવામાં આવતી કથિત ચેકિંગની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જનતાની માંગ છે કે અધિકારીઓ ઓફિસોની બહાર નીકળી, મેદાનમાં ઉતરીને આવી બેદરકાર લારીઓ અને રેસ્ટોરન્ટ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે અને તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરે. નમૂનાઓ લઈને જ સંતોષ માનવામાં આવે
પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે માત્ર દુકાને જઈને નમૂનાઓ લે છે અને ત્યારબાદ પૃથક્કરણ માટે મોકલી આપે છે. જો કે તેનો રિપોર્ટ એક મહિના પછી આવે છે, ત્યારે શાખાની સિસ્ટમ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે આમ જ ચેડા થતા રહેશે તેવા પણ સવાલો લોકો કરી રહ્યા છે.
Read Original Article →