વડોદરામાં પૂર્વ પ્રેમીએ યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી:સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવ્યા બાદ યુવક યુવતી ઉપર શક કરતો, યુવતીનો મોબાઇલ હેક કરીને તેની હરકતો પર નજર રાખતો, યુવતીએ સંબંધ તોડી નાખ્યા
વડોદરા શહેરમાં રહેતી યુવતીને પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા માનસિક રીતે હેરાન કરવા સાથે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને બ્લેકમેઇલ કરી હતી. જેથી યુવતીએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને પક્ષનું કાઉન્સેલિંગ કર્યું હતું અને યુવતીને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. આખરે યુવતીની ઇચ્છા પ્રમાણે સમાધાન કરાવ્યું હતું. વડોદરા શહેરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયા થકી એક યુવક સાથે પરિચય થયો હતો. છેલ્લા 4 મહિનાથી બંને વચ્ચે સંબધહતા અને લગ્ન અંગે પરિવારજનોને વાત કરી હતી. જોકે છેલ્લા બે મહિનાથી યુવક યુવતી પર સતત શંકા કરતો હતો અને યુવતી ક્યાં જાય છે, તેની જાણવા માટે તેના મોબાઇલમાં લોકેશન ચાલુ રાખીને સતત નજર રાખતો હતો. યુવતીનો મોબાઇલ હેક કરીને તેની હરકતો પર નજર રાખતો હોવાનો હતો. યુવક દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ એક મહિના પહેલા સંબંધ તોડી નાખ્યો હતો. તેમ છતાં યુવક સતત ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. યુવતી પોતાની મિત્ર સાથે બહાર ગઈ હતી, ત્યારે યુવક ત્યાં પહોંચી ગયો હતો અને યુવતીના માતા-પિતાને ફોન કર્યો અને ખોટા આક્ષેપો પણ કર્યા હતા. આ ઉપરાંત યુવકે યુવતીના ફોટા પોતાના મોબાઇલમાં હોવાનનું કહીને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. યુવતીએ મદદ માગતા અભયમ ટીમ યુવક પાસે પહોંચી હતી અને યુવકને સમજાવ્યું હતું કે, યુવતી હવે તેની સાથે સંબંધ રાખવા માંગતી નથી, જેથી જબરદસ્તી કે બ્લેકમેઇલ કરવું ગુનો બને છે. અભયમની ટીમે યુવકને કાયદાકીય કાર્યવાહી અંગે પણ ચેતવણી આપી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી યુવતીને હેરાનગતિ નહીં કરે તેમજ મોબાઇલમાં રહેલા ફોટા ડિલીટ કરી દેશે તેવી ખાતરી આપી હતી. યુવતીએ કાર્યવાહી કરવાની ના પાડતાં બંને પક્ષ વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું.
Read Original Article →