PM મોદીની અપીલ બાદ EV વાહનોની માગમાં જોરદાર ઉછાળો:12 થી 20 મે દરમિયાન 9 દિવસમાં રાજ્યમાં 1200 EVનું વેચાણ, વડોદરામાં 40 દિવસનું વેઈટીંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઇંધણ બચાવવા માટે કરવામાં આવેલી ખાસ અપીલની વ્યાપક અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહી છે. લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. વડોદરા શહેરમાં ઈવી વાહનોની ભારે માંગ જોવા મળી રહી છે. વડોદરામાં પીએમ દ્વારા ઈવીનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી
વડાપ્રધાન મોદી જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે તેઓએ દેશના નાગરિકોને પર્યાવરણની રક્ષા અને આર્થિક બચત કાજે પરંપરાગત ઇંધણનો વપરાશ ઘટાડવા વિનંતી કરી હતી, ત્યારથી જ લોકોમાં અભૂતપૂર્વ જાગૃતતા આવી છે. આ અપીલના સીધા પરિણામ સ્વરૂપે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વેચાણમાં બમ્પર ઉછાળો નોંધાયો છે. ગ્રીન એનર્જી તરફ વળવા માટેના આ ટ્રેન્ડને કારણે વાહન બજારમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમના અનુરોધ બાદ 25 ટકાનો ઉછાળો
ઓટોમોબાઈલ સેક્ટરના આંકડાઓ પર નજર કરીએ તો, વડાપ્રધાનની જાહેરાત બાદ ઇલેક્ટ્રિક વાહનોના બુકિંગમાં સીધો 25 ટકા જેટલો ધરખમ વધારો નોંધાયો છે. માત્ર 12 મે થી 20 મે વચ્ચેના ટૂંકા ગાળામાં જ સમગ્ર ગુજરાતમાં આશરે 1200 જેટલી નવી ઈવીનું રેકોર્ડબ્રેક વેચાણ થઈ ચૂક્યું છે. પીએમની અપીલ બાદ લોકો પેટ્રોલ-ડીઝલના વિકલ્પે ઇલેક્ટ્રિક સ્કૂટર અને કાર ખરીદવા તરફ ઝડપથી વળી રહ્યા છે. ઈવીમાં હાલમાં 40 થી 50 દિવસનું વેઇટિંગ
આ અણધાર્યા અને જોરદાર ઘસારાને કારણે હાલમાં ઈવી માર્કેટમાં વાહનોની અછત વર્તાઈ રહી છે અને ગ્રાહકોને નવું વાહન મેળવવા માટે હાલમાં 40 થી 50 દિવસ જેટલું લાંબુ વેટિંગ પિરિયડ ભોગવવું પડી રહ્યું છે. આ સકારાત્મક બદલાવ અંગે ફેડરેશન ઓફ ઓટો ડીલર એસોસિએશન (FADA) ગુજરાતના અગ્રણી પ્રણવ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ઇંધણ બચાવવાની હાકલ બાદ ગ્રાહકોના માનસમાં મોટો ફેરફાર આવ્યો છે. શોરૂમ્સ પર ઈવીના ઇન્ક્વાયરી અને બુકિંગના ગ્રાફમાં મોટો ઉછાળો આવ્યો છે અને જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતાં આવતા મહિનાથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં હજુ પણ મોટો વધારો જોવા મળશે. પર્યાવરણ પ્રત્યેની આ સભાનતા આગામી દિવસોમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને એક નવી દિશા આપશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
Read Original Article →