સગા ભાઈ સાથે છેતરપિંડી:વડોદરામાં પેટ્રોલપંપના ભાગીદાર ડોક્ટર સાથે સગા ભાઈએ 3.38 કરોડની ઠગાઈ કરી, ડોક્ટરે વિશ્વાસ રાખી ભાઈને ભાગીદાર બનાવી વહીવટ આપ્યો છતાં દગો કર્યો

Gujarat4/5/2026, 2:45:11 PM
સગા ભાઈ સાથે છેતરપિંડી:વડોદરામાં પેટ્રોલપંપના ભાગીદાર ડોક્ટર સાથે સગા ભાઈએ 3.38 કરોડની ઠગાઈ કરી, ડોક્ટરે વિશ્વાસ રાખી ભાઈને ભાગીદાર બનાવી વહીવટ આપ્યો છતાં દગો કર્યો
વડોદરામાં ભાઈએ પોતાના જ ભાઈ વિરુદ્ધ કરોડોની છેતરપીંડી અંગે ગંભીર ફરીયાદ નોંધાવી છે. વિશ્વાસ રાખીને ડોક્ટરે વહીવટ સોપતા ભાઈએ પેટ્રોલપંપના ભાગીદારી વ્યવસાયમાં બારોબાર અનેક ફાઇનાન્સ કંપનીઓમાંથી રૂ 3.38 કરોડની લોન લઈને નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એચપીસીએલ કંપનીમાં 60 લાખ પેમેન્ટ નહીં ચૂકવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે નંદેસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી યોગ આશ્રમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ શરૂ ભાઈ દેવડા બોડેલી ખાતે દેવ હોસ્પિટલ ચલાવે છે. વર્ષ 2007માં એચપીસીએલ કંપનીનો પેટ્રોલપંપ ફાળવાયો હતો, જે બાદમાં નંદેસરી GIDC વિસ્તારમાં “મોર્વી પેટ્રોલપંપ” નામે શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સંપૂર્ણ માલિકી દિલીપભાઈ પાસે હતી પરંતુ વર્ષ 2018માં તેમના ભાઈ સુભાષભાઈ દેવડાને 49 ટકા ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પેટ્રોલપંપનો વહીવટ ભાઈએ સંભાળ્યો હતો. ભાગીદારી બાદ સુભાષભાઈએ પોતાની સહીથી વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. જેમાં Aditya Birla Finance, Bajaj Finserv, Tata Capital સહિતની કંપનીઓ પાસેથી લોનના નામે રુપિયા 3.38 કરોડ લઇ ચાંઉ કરી નાખ્યા હતા. આ તમામ લોન અંગે ડોક્ટરને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. બાદમાં ફોરેન્સિક ઓડિટ કરાવતા ખુલ્યું કે પેટ્રોલપંપની આવકમાંથી નાણાં ગેરકાયદેસર રીતે ઉપાડી વ્યક્તિગત ખર્ચ તેમજ ખાનગી દેવા ચુકવવામાં આવ્યા હતા. ઉપરાંત રોજિંદા કેશ ટ્રાન્ઝેક્શનમાં પણ ગેરરીતિઓ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પરિવારજનોની હાજરીમાં સોગંદનામું અને MOU પણ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ વર્ષમાં દેવું ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. છતાં પણ ત્યારબાદ પણ લોન લેવામાં આવતી રહી હોવાનો આક્ષેપ છે. હાલમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલપંપ બંધ છે અને લોનના હપ્તા ભરાતા નથી. જેના કારણે હવે લોનની જવાબદારી ડોક્ટર પર આવવાની શક્યતા ઊભી થઈ છે. આ સમગ્ર મામલે દિલીપભાઈ દેવડાએ પોતાના ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસ દ્વારા સુભાષ દેવ દેવડા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →