ભાજપે જેને જિ.પં.ની ટિકિટ આપી એ ઇન્સ્ટા સ્ટાર કોણ છે?:10 લાખથી વધુ ફોલોઅર્સ અને મોડલિંગની મળી ચૂકી છે ઓફર, પોતાના જિમમાં પરસેવો પાડી રહે છે ફિટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેર કરી છે, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. જેને લઈને પણ વિવાદ થયો છે, તેની સામે ભાજપના જ નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. આ વિવાદ વચ્ચે દિવ્ય ભાસ્કરે અંકિતા પરમાર સાથે વાત કરી અને તેમની જિંદગી અને રાજકીય સફર અંગે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલો છે. જિલ્લા પંચાયતની ટિકિટ મળવા અંગે અંકિતા પરમારે જણાવ્યું કે, સૌપ્રથમ હું પાર્ટી, ધારાસભ્યો, સંગઠન પ્રમુખ અને જનતાનો આભાર વ્યક્ત કરું છું. તાલુકા પંચાયતમાં જવાબદારી મળ્યા બાદ હવે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે, ત્યારે પ્રયત્ન કરીશ કે તાલુકા પંચાયતમાં જે ફરજ બજાવી, તેના કરતાં બમણી તૈયારી કરીને વધુ વિકાસના કામો થાય તેવા પ્રયાસ કરીશ. દાવેદાર નયના પરમારના પતિએ ટિકિટ આપવાના કરેલા વિરોધ અંગે કહે છે કે, નયનાબેન મારા બેન સમાન છે.એ પણ ભાજપના સંનિષ્ઠ કાર્યકર છે. મારો પૂરો પ્રયાસ રહેશે કે, બેનને મનાવી લઈશ અને અમે સાથે મળીને વિકાસના કામો કરીશું. લોકશાહીનો જ્યારે પર્વ ચાલી રહ્યો હોય, ત્યારે પાર્ટી મેન્ડેટ આપતી હોય છે, ચૂંટણી લડવાની બધાની ઈચ્છા હોય છે, પણ પાર્ટી એકને જ મેન્ડેટ આપી શકે છે. એ તક મને મળી છે. નયનાબેન સર્વશ્રેષ્ઠ છે. હું એમ માનું છું કે, મને ટિકિટ મળી એટલે એમ નથી કે હું જ સર્વશ્રેષ્ઠ છું. હું એમને કાયમ સાથે લઈને જ ચાલવાની છું. રીલ્સ બનાવવા અંગે પાર્ટીમાંથી કોઈ ઠપકો કે સૂચન મળ્યું છે કે, કેમ? તે અંગે કહે છે, સ્વાભાવિક છે કે, હું પહેલા રીલ બનાવતી. જ્યારથી પાર્ટીમાં જોડાઈ છું, ત્યારથી પાર્ટીમાં જ કામ કરું છું અને પાર્ટીની રીલ્સ અપલોડ કરું છું અને એ મારો પર્સનલ વિષય છે. ‘પહેલાં મોડલિંગ ઓફર મળી ચૂકી છે’
ફિલ્મ કે મોડલિંગની ઓફર આવવા અંગે કહ્યું કે, હાલ પૂરતી કોઈ ઓફર નથી, અગાઉ ઓફર મળી હતી, પણ હું એ ઓફરને અસ્વીકાર્ય કરું છું. મારું સંપૂર્ણ ધ્યાન પોલિટિક્સ પર છે અને લોકોની સેવા કરવા પર છે. PM મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, ક્યારેક મળવાની તક મળે. મોદીજી મળે તો મહિલાઓ અને દીકરીઓ માટે એમણે જે વિચાર્યું છે. મહિલાઓ સ્વતંત્ર થઈ છે. તેના માટે આભાર વ્યક્ત કરીશ. ‘આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે’
ટ્રોલિંગ અંગે કહે છે, સોશિયલ મીડિયા પર નેગેટીવ અને પોઝિટિવ વાતો થાય છે. આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે. હું હંમેશા સોશિયલ મીડિયા પરથી સારી વાતો જ લઉં છું. ‘મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે’
પરિવાર અને એજ્યુકેશન અંગે કહ્યું-હું પોર ગામની વતની છું અને મારો જન્મ વડોદરામાં થયો છે અને તે મારું પિયર છે. મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે.ત્યારબાદ હું પણ ભાજપમાં જોડાઈ. મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. ‘સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી’
સંઘર્ષ અંગે કહ્યું કે, સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી. કોઈપણ વસ્તુ મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. મારો જન્મ વડોદરામાં થયો અને લગ્ન પછી હું પોર ગામમાં રહેવા આવી. સાસરીમાં હું દીકરી તરીકે રહી છું. પોતાના ડ્રીમ અંગે કહ્યું કે, મારું ડ્રીમ વધુને વધુ મહિલાઓને ઇન્ડિપેડેન્ટ બનાવવાનું છે. ભારત આમ તો પુરુષ પ્રધાન દેશ છે. પરંતુ મારી એવી ઈચ્છા છે કે, ભારત મહિલા પ્રધાન દેશ તરીકે ઓળખાય.
'હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું'
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે ભાજપ નેતામાંથી કઈ ઓળખ વધુ પસંદ છે, તેના અંગે કહ્યું કે, મારી ઈમેજ બનાવવાની સાથે સાથે હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું. કોઈ એવું કામ નથી કે જે મહિલા કે દીકરી ન કરી શકે. હાલ હું પ્રજાલક્ષી કામો કરવા પર ફોકસ કરી રહી છું, પાર્ટી આગળ જે જવાબદારી આપશે તે હું નિભાવતી રહીશ.
Read Original Article →