સ્વામિનારાયણ સંપ્રદાય, મૂળ સિદ્ધાંતોનું પાલન કરાવાશે:વડોદરામાં ધર્મસભા યોજાઈ, ભટકેલાઓને સાચા માર્ગે લાવવાનો નિર્ધાર

Gujarat5/20/2026, 6:28:31 AM
સ્વામિનારાયણ સંપ્રદાય, મૂળ સિદ્ધાંતોનું પાલન કરાવાશે:વડોદરામાં ધર્મસભા યોજાઈ, ભટકેલાઓને સાચા માર્ગે લાવવાનો નિર્ધાર
વડોદરાના આજવા રોડ પર સત્ય સિદ્ધાંત સમિતિ દ્વારા સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયના હરિભક્તોની વિશાળ ધર્મસભા યોજાઈ હતી. જેમાં એક હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કરેલા મૂળ સિદ્ધાંતો અને મર્યાદાઓના પુનઃસ્થાપન માટે સંકલ્પ લેવાયો હતો. ધર્મસભાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન સ્વામિનારાયણે આપેલા ઉપદેશો, આદર્શો અને બંધારણને સમાજજીવનમાં ફરીથી પ્રસ્થાપિત કરવાનો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે ભગવાને સ્થાપિત કરેલા છ અંગોમાં દેવ, મંદિર, આચાર્ય, શાસ્ત્ર, સંત અને હરિભક્તોનો સમાવેશ થાય છે. સનાતન ધર્મના શુદ્ધિકરણ માટે હરિભક્તોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. હરિભક્તોએ ભગવાને નિર્ધારિત કરેલી મર્યાદાઓ, સિદ્ધાંતો અને સંપ્રદાયના બંધારણ અનુસાર જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. જે સંતો, પાર્ષદો અને હરિભક્તો આ સિદ્ધાંતોનું પાલન કરતા નથી, તેમને ફરીથી સાચા માર્ગે લાવવા માટે પણ કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. સત્ય સિદ્ધાંત સમિતિની વિચારધારા મુખ્યત્વે શિક્ષાપત્રી, દેશ વિભાગ લેખ, સત્સંગી જીવન અને વચનામૃત જેવા ગ્રંથો પર આધારિત હોવાનું જણાવાયું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે સમિતિનો હેતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો, આત્મમંથન માટે પ્રેરણા આપવાનો અને સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. જેથી ધર્મ માત્ર બાહ્ય દેખાવ પૂરતો સીમિત ન રહે, પરંતુ આંતરિક પરિવર્તનનું સાધન બને. સમિતિએ સંવાદ, શિક્ષણ અને સિદ્ધાંત આધારિત કાર્ય દ્વારા વર્તમાન તેમજ આવનારી પેઢીઓ માટે ધર્મની પવિત્રતા અને સનાતન ધર્મ સાથેની એકરૂપતા જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →