સિનિયર સિટીઝન સાથે સાયબર ફ્રોડ:લાઇફ સર્ટિફિકેટ અપડેટના બહાને APK ફાઇલ મોકલીને એકાઉન્ટમાંથી 10 લાખ ટ્રાન્સફર કરી લીધા
વડોદરામાં 65 વર્ષીય સિનિયર સિટીઝનને APK ફાઇલ મોકલીને સાયબર ઠગોએ 10 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 10 મિનિટમાં અજાણ્યા નંબરથી કોલ આવ્યો
વડોદરાના તરસાલી રીંગ રોડ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બેંકમાંથી સિનિયર મેનેજર તરીકે નિવૃત થયેલા છે. તારીખ 08/11/2025ના રોજ તેઓ પોતાના નિવાસસ્થાને હતા ત્યારે દર વર્ષની જેમ બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર પેન્શન લાઈફ સર્ટિફિકેટ 2025-26 માટે જરૂરી માહિતી અપલોડ કરી હતી. માહિતી અપલોડ કર્યા બાદ અંદાજે 10 મિનિટમાં અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ લાઇફ સર્ટિફિકેટના વેરિફિકેશન માટે વોટ્સએપ પર વીડિયો કોલ આવશે અને તેમાં જણાવ્યા મુજબ પ્રક્રિયા કરવી પડશે એવી સૂચના આપી હતી. થોડા સમય બાદ અન્ય વોટ્સએપ નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો, જેને સ્વીકારી લેવામાં આવ્યો હતો. સર્વર ડાઉન હોવાનું કહી 38 મિનિટ સુધી સ્ક્રીન શેર કરી પૈસા ટ્રાન્સફર કર્યા
વીડિયો કોલ દરમિયાન ફરિયાદીને સ્ક્રીન શેર કરવા કહેવામાં આવ્યું હતું. સ્ક્રીન શેર કર્યા બાદ એક ફોર્મ ખુલ્યું જેમાં નામ, મોબાઇલ નંબર, ઈ-મેલ આઈડી અને ઈમ્પ્લોય કાર્ડ નંબર જેવી વિગતો દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ “BOB Life Certificate Update.apk” નામની ફાઇલ મોકલી તેને ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ દરમિયાન ઠગોએ સર્વર ડાઉન હોવાનું કહી અંદાજે 38 મિનિટ સુધી સ્ક્રીન શેર ચાલુ રાખવા જણાવ્યું હતું. બાદમાં પત્નીએ ઠગાઈ અંગે ચેતવણી આપતા પતિએ તુરંત જ કોલ ડિસકનેક્ટ કર્યો હતો અને તમામ બેંક ખાતા ફ્રીઝ કરાવ્યા હતા તેમજ જીમેઇલનો પાસવર્ડ બદલી નાંખ્યો હતો અજાણ્યા ડિવાઇસનો લોગઆઉટ કર્યો હતો અને મોબાઇલ નંબર બ્લોક કર્યા હતા. આ ઉપરાંત ડેબિટ કાર્ડ, જી-પે, મોબાઇલ બેંકિંગ અને નેટબેંકિંગ જેવી તમામ ડિજિટલ સેવાઓ બંધ કરાવી દીધી હતી તેમછતાં ઠગોએ
10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →