ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી:લો બોલો... સમોસામાં વંદો નીકળ્યો ને કોર્પોરેટર બચાવવા ગયા, આખરે ફૂડ વિભાગની કામગીરી

Gujarat5/21/2026, 3:14:58 PM
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી:લો બોલો... સમોસામાં વંદો નીકળ્યો ને કોર્પોરેટર બચાવવા ગયા, આખરે ફૂડ વિભાગની કામગીરી
વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ બે સ્થળોએથી ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ અંગે અહેવાલ આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જ જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગતું હતું. કારણ કે ત્રણ દિવસ સુધી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને કરે પણ કેવી રીતે કારણ કે જ્યાં સમોસામાંથી વંદો મળ્યો તેમને બચાવવા કોર્પોરેટરો મેદાને પડ્યા હતા. આખરે ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમે મેગા ડ્રાઇવ કરી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ (IAS)ની સૂચના અને ડેઝીગ્નેટેડ ઓફિસર તેમજ અધિક આરોગ્ય અમલદારના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના ખાદ્યપદાર્થોના એકમો પર એક વ્યાપક અને આકસ્મિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સુભાનપુરા, વારસિયા, ઇલોરાપાર્ક, અકોટા, ઓ.પી. રોડ, છાણી, ભાયલી, છાણી જકાતનાકા, ન્યૂ સમા, ફતેગંજ અને ખોડિયાર નગર સહિતના તમામ મુખ્ય વેપારી મથકો પર સઘન તપાસ કરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવ દરમિયાન ટીમે 21 રીટેલર, 5 ઉત્પાદક પેઢી, 5 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અને 11 રેસ્ટોરન્ટ મળીને કુલ 42 જેટલા ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા એકમો પર કડક ઇન્સપેક્શનની કામગીરી પૂર્ણ કરી હતી. 28 ખાદ્ય નમૂનાઓ લઈને પૃથ્થક્કરણ માટે મોકલ્યા આ વ્યાપક ચેકિંગ દરમિયાન પાલિકાની ફૂડ સેફ્ટી ટીમે શંકાસ્પદ ગુણવત્તા ધરાવતા 28 જેટલા વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓ મેળવ્યા હતા. જેમાં પનીર, ચીઝ, મરચું પાઉડર, ગ્રેવી, તેલ, લાલ ચટણી, કેસર મેંગો પલ્પ, મિક્સ ફ્રૂટ જામ, આઈસક્રીમ, મેંગો એક્સપ્લોઝન, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, ઘી, વેજ કુરમા, પનીર તોફાની, વેજ બંઝારા, રાઇસ બ્રાઉન ઓઇલ, સિંગલ મરી પાપડ અને મલાઈ આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. આ તમામ 28 નમૂનાઓને રાસાયણિક અને ગુણવત્તાયુક્ત પૃથ્થકરણ માટે ફતેગંજ ખાતે આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શિવશક્તિ ફરસાણ અસ્વચ્છ અને અનહાઇજેનિક આ ઝુંબેશ અંતર્ગત રાજમહેલ રોડ પર આવેલા જાણીતા રીટેલર યુનિટ શિવ શક્તિ ફરસાણ ખાતે વહીવટી વોર્ડ 14ની સેનેટરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત રીતે ત્રાટકીને આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પેઢીમાં અત્યંત અસ્વચ્છ અને અનહાઇજેનિક કન્ડિશન (ગંદકીનું સામ્રાજ્ય) જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં ત્રણ દિવસ પહેલા સમોસામાંથી વંદો નીકળ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓ એક્શન લેવાના મૂડમાં ન હતા આમ તો કોર્પોરેશનના ખોરાક શાખાના અધિકારીઓ કોઈ પણ એક્શન લેવાના મૂડમાં ન હતા કારણ કે જેની સામે ફરિયાદ થઇ હતી તેને બચાવવા કેટલાક કોર્પોરેટર પણ મેદાને પડયા હતા. પરંતુ મીડિયા આવી જતા તેઓની દાળ ગળી ન હતી અને આખરે પગલાં લેવા પડ્યા.દુકાન બંધ કરવાની નોટિસ છતાં આ વેપારી અડધું શટલ ખુલ્લું રાખીને ધંધો કરતો હોવાની ફરિયાદ થઇ હતી. વેપારીને માત્ર 10,000 નો દંડ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એકમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ વેપારીને માત્ર 10,000 દંડ કરવામાં આવ્યો હતો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાંને રોકવા માટે આ યુનિટને ત્વરિત અસરથી સંપૂર્ણપણે બંધ (સીલ) કરાવી દેવામાં આવ્યું હતું. અહીંથી પિસ્તા બરફી અને કેસર બરફીના નમૂના પણ લેવાયા હતા. આ ઉપરાંત, સંગમ ચાર રસ્તા પાસે આવેલી સુરતી ઢોસા નામની રેસ્ટોરન્ટમાં વોર્ડ 7ની ઉત્તર ઝોન સેનેટરી શાખા દ્વારા તપાસ કરતા આજુબાજુ ભારે ગંદકી માલૂમ પડી હતી, જેથી તેમને રૂપિયા 2500 નો દંડ કરાયો હતો. ભાયલી વિસ્તારમાં પણ પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો, જેમાં અંબિકા એન્ટરપ્રાઇઝમાં ગંદકી બદલ રૂપિયા 10000 નો દંડ, ટ્રીનીટી કાફેમાં ગંદકી બદલ રૂપિયા 5000નો દંડ તેમજ ફ્લેવર રેસ્ટોરન્ટ ખાતે અસ્વચ્છતા જોવા મળતા રૂપિયા 4000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
Read Original Article →