વડોદરા કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીના બોડેલી કોર્ટે જામીન મંજૂર:10 દિવસના જેલવાસ બાદ મુક્ત, દારૂના કેસમાં ધરપકડ કરાઈ હતી
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નવનિર્વાચિત કોર્પોરેટર આશિષ જોષીને કાયદાકીય મોરચે મોટી રાહત મળી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના કેસમાં ધરપકડ કરાયા બાદ છેલ્લા 10 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આશિષ જોષીની જામીન અરજી આજે બોડેલી કોર્ટે મંજૂર કરી છે. જામીન મળતા જ 10 દિવસ બાદ તેમનો જેલમાંથી છુટકારો થયો છે, જેને પગલે તેમના સમર્થકોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. ભાજપમાંથી સસ્પેન્શનથી લઈને કોંગ્રેસમાંથી જીત સુધીની સફર
આ કેસને લઈને વડોદરાના રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે. એક સમયે ભારતીય જનતા પક્ષ (BJP) તરફથી ચૂંટણી લડીને કોર્પોરેટર બનેલા આશિષ જોષીએ વડોદરાના ચકચારી હરણી બોટકાંડના પીડિત પરિવારોની પડખે ઊભા રહીને ન્યાયની લડત શરૂ કરી હતી. પીડિતોને સમર્થન આપવાના કારણે સત્તાધારી પક્ષ સાથે મતભેદો સર્જાયા હતા, જેના પરિણામે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ રાજકીય કિન્નાખોરી સામે આશિષ જોષીએ સીધી બાયો ચડાવી વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું અને સત્તાધારી પક્ષના જોરદાર વિરોધ અને સામા પ્રવાહે પણ શાનદાર જીત હાસિલ કરીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી બતાવી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે જ કાયદાકીય ગૂંચવણ ઊભી કરાઈ
જોકે, ચૂંટણી પ્રક્રિયાની વચ્ચે જ આશિષ જોષીને કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાનો મોટો દાવ ખેલાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણી ટાણે જ તેમની સામે છોટાઉદેપુરના સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને 10 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. શું હતો સમગ્ર કેસ?
આ કેસની વિગત એવી છે કે, ગત તારીખ 23 એપ્રિલના રોજ સંખેડા પોલીસે પ્રમોદ પાંડે નામના એક શખ્સને અંદાજે 3 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાથી ભરેલી ઇકો કાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે આરોપી પ્રમોદની કડક પૂછપરછ કરી ત્યારે તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે આ દારૂનો જથ્થો કવાંટ ખાતેથી લાવ્યો હતો અને વડોદરાના નવનિર્વાચિત કાઉન્સિલર આશિષ જોષીને પહોંચાડવાનો હતો. આ કબૂલાતના આધારે જ પોલીસે આશિષ જોષીને આ કેસમાં સંડોવી તેમની અટકાયત કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી જામીન આપ્યા
આ રાજકીય અને કાયદાકીય ઘમસાણ વચ્ચે આજે બોડેલી કોર્ટે આશિષ જોષીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અદાલતે બંને પક્ષોની કાનૂની દલીલો સાંભળ્યા બાદ આશિષ જોષીના જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે. આ નિર્ણયને આશિષ જોષીના સમર્થકો રાજકીય દબાણ સામે કાયદાની મોટી જીત તરીકે જોઈ રહ્યા છે.
Read Original Article →