આરોગ્ય શાખાની કડક કાર્યવાહી:કોર્પોરેશનની ટીમે પાણી તેમજ બરફના વિક્રેતાઓને ત્યાં દરોડા, ખાદ્ય પદાર્થના 7 યુનિટ સીલ કરાયા, 35,000નો દંડ વસુલવામાં આવ્યો
વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અસ્વચ્છતા રાખતા ખાદ્યપદાર્થોના વિક્રેતાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. માનનીય મ્યુનિસિપલ કમિશ્નરની કડક સૂચના અને ડેઝીગ્નેટેડ ઓફિસર તેમજ અધિક આરોગ્ય અમલદારના સીધા માર્ગદર્શન હેઠળ, ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો દ્વારા સમગ્ર શહેરમાં એકસાથે આકસ્મિક ચેકિંગની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ખાસ કરીને નોન-પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર , આઈસ ફેક્ટરી, ફ્રુટ-કેરીના હોલસેલ વિક્રેતાઓ તેમજ કેરીના રસના તંબુઓ પર તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક દરોડા પાડવામાં આવ્યા હતા. ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલ 61 યુનિટ પર ચકાસણી
ખોરાક શાખાની ટીમોએ શહેરના માંજલપુર, જી.આઈ.ડી.સી. મકરપુરા, ગોરવા, પંચવટી, નવાયાર્ડ, બાજવા, છાણીગામ, ન્યૂ સમા રોડ, સંગમ ચાર રસ્તા, સમતા, આર.વી. દેસાઈ રોડ, વેરાઈમાતા ચોક અને ખંડેરાવ માર્કેટની પાછળના વિસ્તારો સહિતના તમામ મુખ્ય વ્યાપારી કેન્દ્રો ખૂંદી વળ્યા હતા. આ વ્યાપક ડ્રાઈવ દરમિયાન ટીમોએ 34 હોલસેલ ફ્રુટ વિક્રેતા, 7 રિટેલર, 1 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 2 રેસ્ટોરન્ટ, 4 આઈસ ફેક્ટરી, 11 પાણીના જગવાળા અને 2 કેરીના રસના તંબુ મળીને કુલ 61 જેટલા ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા યુનિટો પર કડક ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી હતી. 2 એકમોને નોટીસ, 7 યુનિટને સીલ કરાઈ
આ આકસ્મિક ચેકિંગ દરમિયાન જે એકમો પર ભયંકર ગંદકી માલૂમ પડી હતી, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ્રતિબંધિત ઉપયોગ થતો હતો તેમજ જેમની પાસે ફૂડ લાયસન્સ જ નહોતા, તેવા એકમો સામે વોર્ડ ઓફિસની સંયુક્ત ટીમ સાથે મળીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્થળ પર જ કુલ રૂપિયા 35,000નો મસમોટો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંભીર ક્ષતિઓ બદલ 2 એકમોને શિડ્યુલ-4 ની નોટિસ આપવામાં આવી હતી, જ્યારે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 7 યુનિટોને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ રેસ્ટોરાંમાં પણ ચકાસણી કરી દંડનીય કાર્યવાહી પીઝીનોઝ પીઝા (માંજલપુર): તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી આ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું અને અત્યંત અનહાઈજેનિક (અસ્વચ્છ) કન્ડિશન હોવાનું સામે આવતા તેને શિડ્યુલ-૪ ની નોટિસ ફટકારીને તાળાં મારી દેવાયા હતા, તેમજ રૂપિયા 15000નો દંડ કરાયો હતો. શેટ્ટીસ કિચન (સમતા): આ રેસ્ટોરન્ટમાંથી ઘી પોડી રવા ઢોસા નો એક શંકાસ્પદ નમૂનો લઈ પૃથ્થકરણ માટે ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયો હતો. અહીં પાણીનો ટેસ્ટિંગ રિપોર્ટ અને કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ ન હોવાથી શિડ્યુલ-૪ ની નોટિસ અપાઈ હતી. કેરીના હોલસેલર્સ (વેરાઈમાતા ચોક અને ખંડેરાવ માર્કેટ પાછળ): વેરાઈમાતા ચોક ખાતે આવેલા જયભોલે કેરી ભંડાર ને 7500 દંડ, તુળજા કેરી સેન્ટરને રૂ. 5000 દંડ અને જલારામ કેરી સેન્ટરમાં લાયસન્સ ન હોવાથી અને ગંદકી હોવાથી ત્રણેય યુનિટ બંધ કરાયા હતા. ખંડેરાવ માર્કેટ પાછળથી ઈશ્વરવર જેવુમલ, એલ.જે. ફ્રુટ્સને 2500 નો દંડ અને ભક્તિ ફ્રુટ્સને રૂ. 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાયસન્સ વિના ગેરકાયદે ચાલતા હોવાથી સીલ કરવામાં આવ્યા હતા. આઈસ ફેક્ટરીઓમાં પણ તપાસ કરવામાં આવી
બરોડા આઈસ ફેક્ટરી, એવન આઈસ ફેક્ટરી તેમજ પાણીના જગ સપ્લાય કરતા શ્રીજી બેવરેજીસ અને સાઈ સાગર વોટર સપ્લાય. આ ઉપરાંત શિવાની જ્યુસ સેન્ટર અને પંચવટી-ઉંડેરા રોડ પર આવેલા ધરતીનું અમૃત કેરીનો રસના તંબુમાં તપાસ કરાઈ હતી. આ ઉપરાંત છાણી વિસ્તારમાં આવેલી બજરંગ આઈસ ફેક્ટરી, અંકુર આઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ તથા પાણીના જગવાળા ખોડલ વોટર સપ્લાય, રામોરામ જલસાગર, જય ગણેશ આર.ઓ. વોટર સપ્લાયર, તેમજ ન્યૂ સમા રોડના જય કૈલામા વોટર સપ્લાયર અને લખુ વોટર સપ્લાયરમાં ઇન્સ્પેક્શન કરાયું હતું. મકરપુરા જી.આઈ.ડી.સી. સ્થિત ગાયત્રી આઈસ ફેક્ટરી સહિત આર.એ. વોટર સપ્લાયર, પ્યોર વોટર, શ્રીજી એક્વા, પટેલ વોટર, શ્રી હરિ વોટર સપ્લાયર અને આર.વી. દેસાઈ રોડ પર આવેલી જય રિદ્ધિ એજન્સીમાં તપાસ હાથ ધરાઈ હતી. શુદ્ધતા જાળવવા માટે ટ્રેનિંગ અને અવેરનેસ
સમગ્ર દરોડાની કાર્યવાહી વચ્ચે મનપાની મોબાઈલ ટેસ્ટિંગ વાન પણ એક્શનમાં જોવા મળી હતી. ડેરીડેન સર્કલ અને સુભાનપુરા રોડ વિસ્તારમાં ઊભા રહેતા ૨૭ જેટલા લારી-ગલ્લા યુનિટો પર જઈને સ્થળ પર જ ચેકિંગ કરાયું હતું. વાન દ્વારા મરચા પાવડર, કેરીનો રસ, પનીર, ચીઝ, બટર, ખાદ્ય તેલ, ગ્રેવી અને લાલ ચટણી સહિતના આશરે ૫૨ જેટલા ખાદ્યપદાર્થોના નમૂનાઓનું સ્થળ પર જ પ્રાથમિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 27 હોકર યુનિટના 39 ફૂડ વેન્ડર્સ અને વર્કર્સને શિડ્યુલ-4 મુજબ શુદ્ધતા અને હાઈજિન જાળવવા માટે સ્થળ પર જ ખાસ ટ્રેનિંગ અને અવેરનેસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે તેવી ચીમકી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.
Read Original Article →