સયાજીબાગમાં સ્વચ્છતાના નામે ઉઘરાણું?:કોર્પોરેશનના અધિકારી મંગેશ જયસ્વાલનો વીડિયો વાયરલ, પરિવારનો આક્ષેપ રૂ. 1000 માગ્યા અને 50ની રસીદ આપી; અધિકારીનો લૂલો બચાવ

Gujarat6/8/2026, 2:15:09 PM
સયાજીબાગમાં સ્વચ્છતાના નામે ઉઘરાણું?:કોર્પોરેશનના અધિકારી મંગેશ જયસ્વાલનો વીડિયો વાયરલ, પરિવારનો આક્ષેપ રૂ. 1000 માગ્યા અને 50ની રસીદ આપી; અધિકારીનો લૂલો બચાવ
સંસ્કારી નગરી વડોદરામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા ઐતિહાસિક સયાજીબાગમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના દંડની વસૂલાતને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. મહાનગરપાલિકાના અધિકારી ડૉ. મંગેશ જયસ્વાલ અને તેમની ટીમ પર બાગની મુલાકાતે આવેલા એક પરિવારે નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ અધિકારીનો વિડીયો બનાવી પરિવાર દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. પરિવારે આક્ષેપ કર્યા છે કે અધિકારીએ કચરો ફેંકવા બદલ 1000 રૂપિયા માંગવામાં આવ્યા હતા. 1000ની સામે 50 રૂપિયાની રસીદ આપ્યાનો આક્ષેપ પરિવારનો આક્ષેપ છે કે સયાજીબાગમાં ફરતી વખતે તેમની પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિક મળી આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ દ્વારા પરિવાર પાસેથી નિયમ વિરુદ્ધ જઈને પૂરા 1000 રૂપિયાનો આકરો દંડ માંગવામાં આવ્યા હતો, પરંતુ તેની સામે માત્ર 50 રૂપિયાની જ સત્તાવાર પાવતી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે વડોદરા કોર્પોરેશનની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર દંડ વસૂલાત ઝુંબેશ શંકાના દાયરામાં આવી ગઈ છે. કોર્પોરેશનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા સયાજીબાગમાં બનેલી આ ઘટના અંગે જાગૃત નાગરિક દ્વારા સ્થળ પર જ વિરોધ દર્શાવી સમગ્ર મામલાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક નગરજનો અને નેટીઝન્સમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આકરા સવાલો પૂછી રહ્યા છે કે, શું દરેક નાગરિકો પાસેથી આ જ રીતે ઉઘરાણું કરવામાં આવતું હશે? આ ઘટનાથી પાલિકાના કર્મચારીઓની પ્રામાણિકતા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. મુલાકાતીઓનો એવો પણ આક્ષેપ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિયમો અને દંડની રકમ અંગે સામાન્ય જનતામાં કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને જનતા પાસેથી મનફાવે તેમ તોતિંગ રકમ પડાવી રહ્યા હોવાના આક્ષેપ છે. અધિકારીએ કહ્યું, નિયમોના દાયરામાં રહીને દંડ વસૂલાયો બીજી તરફ, આ વિવાદે રાજકીય અને સામાજિક મોટું સ્વરૂપ ધારણ કરતાં વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી ડૉ. મંગેશ જયસ્વાલે મીડિયા સમક્ષ પોતાનો બચાવ કર્યો છે. તેમણે પરિવારે લગાવેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે તેમની ટીમ દ્વારા કોઈ પણ નાગરિક પાસેથી ગેરકાયદે કે ખોટો દંડ વસૂલવામાં આવ્યો નથી. કોર્પોરેશનની ટીમ દ્વારા જે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે કાયદા અને નિયમોના દાયરામાં રહીને જ કરવામાં આવી છે. આ વિવાદ બાદ પાલિકાના શાસક પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા પણ વાયરલ વીડિયોની સત્યતા તપાસવા માટે આંતરિક ચર્ચા અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલમાં તો આ કથિત ભ્રષ્ટાચારના મામલે વડોદરા શહેરભરમાં ભારે ચર્ચાઓ જાગી છે અને જનતા દ્વારા આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ પ્રબળ બની છે.
Read Original Article →