ઇંધણ બચત માટે વડોદરા કોર્પોરેશનનો પ્રશંસનીય નિર્ણય:વાહનોની ફુલ ટાંકી કરવા પર કાપ મૂકી મે મહિનાના અંત સુધીમાં 24,000 લિટર ડીઝલ બચાવવાનો લક્ષ્યાંક

Gujarat5/21/2026, 9:23:11 AM
ઇંધણ બચત માટે વડોદરા કોર્પોરેશનનો પ્રશંસનીય નિર્ણય:વાહનોની ફુલ ટાંકી કરવા પર કાપ મૂકી મે મહિનાના અંત સુધીમાં 24,000 લિટર ડીઝલ બચાવવાનો લક્ષ્યાંક
વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આ આહવાનના પગલે દેશની વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ઇંધણ બચાવવા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ પોતાના સત્તાવાર કાફલામાં ઘટાડો કરી, ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ થાય તેવી નવતર શરૂઆત કરી છે. આ જ દિશામાં આગળ વધતાં વડોદરા મહાનગરપાલિકાએ પણ ઇંધણ બચત માટે કમર કસી છે અને મે મહિનાના અંત સુધીમાં દર મહિના કરતાં સરેરાશ 24,000 લિટર ડીઝલની બચત થાય તેવા ચોક્કસ આયોજન સાથે કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશનના 392 વાહનોમાં દર મહિને 10 ટેન્કર ડીઝલ વપરાતું હતું મહાનગરપાલિકાના તમામ સરકારી વાહનો પાલિકાના પોતાના 'વિહિકલ પુલ' ખાતેથી ડીઝલ ભરાવે છે. વિહિકલ પુલના મેનેજર જગદીશ ભાભોરે આ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન હસ્તક હાલમાં કુલ 392 વાહનો કાર્યરત છે. અગાઉના સમયમાં આ વાહનો માટે દર મહિને આશરે 9 થી 10 ટેન્કર જેટલા ડીઝલની ખપત થતી હતી, જેમાં એક ટેન્કરમાં અંદાજે 12,000 લિટર ડીઝલ આવે છે. જોકે, છેલ્લા બે મહિનાથી અમે ઇંધણનો વ્યય અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેના ભાગરૂપે એપ્રિલ મહિનામાં અમે મોટા પ્રમાણમાં ડીઝલ બચાવવામાં સફળ રહ્યા છીએ. આ ચાલુ માસ દરમિયાન પણ અમે શરૂઆતથી જ આ કડક નિયમો લાગુ કરી દીધા છે. હવે વાહનોની ટાંકી ફૂલ નહીં થાય, માત્ર 20 લિટર જ ડીઝલ અપાશે પાલિકાના દરેક વોર્ડ, એન્જિનિયરિંગ વિભાગ, સેનેટરી (આરોગ્ય) વિભાગ ઉપરાંત ફાયર બ્રિગેડના વાહનો માટે હવેથી માત્ર જરૂરિયાત મુજબ જ ડીઝલ ફાળવવાની નીતિ અપનાવવામાં આવી છે. મેનેજર ભાભોરે ઉમેર્યું હતું કે, અગાઉ અમે દરેક સરકારી વાહનોને વિહિકલ પુલ પર લાવીને 'ફુલ ટાંકી' કરી આપતા હતા, પરંતુ હવે તે વ્યવસ્થા પર સદંતર કાપ મૂકી દેવામાં આવ્યો છે. હવે દરેક વાહનમાં એકસાથે માત્ર 20 લિટર ડીઝલ આપવાનું જ નક્કી કરાયું છે. આ મર્યાદિત જથ્થાને કારણે વાહનના ચાલકો પણ કાળજીપૂર્વક અને સાચવીને ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે. કોર્પોરેશનના ડ્રાઇવરો તરફથી પણ આ આખા અભિયાનમાં ઘણો સારો સાથ-સહકાર મળી રહ્યો છે, જેના લીધે અમે ડીઝલના ટેન્કરોની સંખ્યા ઘટાડી શક્યા છીએ. ચાલુ મહિને અત્યાર સુધીમાં માત્ર 7 ટેન્કર ડીઝલ વપરાયું જગદીશ ભાભોરે વધુમાં જણાવ્યું હતું કે, વિહિકલ પુલ ખાતે ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં માત્ર 7 ટેન્કર ડીઝલ મંગાવવામાં આવ્યું છે અને બાકીના દિવસોમાં વધુ 1 ટેન્કર વપરાય તેવી શક્યતા છે. એટલે કે, અગાઉના સરેરાશ વપરાશ સામે આ મહિને સીધા 2 ટેન્કર એટલે કે કુલ 24,000 લિટર ડીઝલની બચત થશે અને અમને આશા છે કે આ લક્ષ્યાંકમાં અમે ચોક્કસ સફળ થઈશું. ઇંધણની આ બચત પાછળ વહીવટી તંત્રના આયોજન ઉપરાંત એક અન્ય સ્થાનિક કારણ પણ જવાબદાર છે. હાલમાં કોર્પોરેશનમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો ન હોવાથી, વિવિધ વોર્ડમાં લોકકાર્યો અંગેના રાઉન્ડ અને મુલાકાતોના કોલ પ્રમાણમાં ઘણા ઓછા છે. આ વહીવટી શૂન્યાવકાશના સમયગાળાનો પણ વિહિકલ પુલે સ્માર્ટ ઉપયોગ કરીને સરકારી તિજોરી પરનો ઇંધણનો મોટો ખર્ચ બચાવી લીધો છે.
Read Original Article →