CO2 સિલિન્ડર બ્લાસ્ટ ઘટનામાં પોલીસ ફરિયાદ:કન્ટેનર પાર્ક સામે ગુનો નોંધાયો; ટેરેસ પર કામ કરતી વખતે 700 મીટર દૂર યુવકનું મોત થયું હતું

Gujarat5/21/2026, 8:43:48 AM
CO2 સિલિન્ડર બ્લાસ્ટ ઘટનામાં પોલીસ ફરિયાદ:કન્ટેનર પાર્ક સામે ગુનો નોંધાયો; ટેરેસ પર કામ કરતી વખતે 700 મીટર દૂર યુવકનું મોત થયું હતું
વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલા એક ફૂડ કોર્ટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે CO2 સિલિન્ડર હવામાં ફંટાઈને નજીકની સોસાયટીના ધાબા પર જઈ પડ્યો હતો, જેના કારણે ત્યાં ફેબ્રિકેશનનું કામ કરી રહેલા એક શ્રમિક યુવકનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું. હવે આ મામલે 'ધ કન્ટેનર પાર્ક સામે ગુનો નોંધાયો છે. ટેરેસ પર ફેબ્રિકેશનનું કામ કરી રહ્યા હતા સમગ્ર ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના વતની અને હાલ વડોદરામાં કામ અર્થે આવેલા મુકેશગીરી રામસ્વરૂપ ગીરી (ઉંમર આશરે 34 વર્ષથી નાની) ગોત્રી વિસ્તારમાં આવેલી 'શ્રીકુંજ ગ્રીન્સ' સોસાયટીના એક મકાનના ટેરેસ પર અન્ય એક શ્રમિક ધર્મેન્દ્રકુમાર ગીરી સાથે ફેબ્રિકેશનનું કામ કરી રહ્યા હતા. ટેરેસ પર કામ કરતા મુકેશગીરી સિલિન્ડરની અડફેટે આવી ગયા ગત તારીખ 16 મે, 2026એ બપોરના સમયે નજીકમાં જ આવેલા 'ધ કન્ટેનર પાર્ક' (ફૂડ કોર્ટ) ખાતેની 'ફાઉન્ટેન સોડા'ની દુકાનમાં અચાનક CO2 ગેસનું સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું. આ પ્રચંડ ધડાકા સાથે લોખંડનું ગેસ સિલિન્ડર હવામાં ઉડીને સીધું શ્રીકુંજ ગ્રીન્સ સોસાયટીના મકાનની દીવાલ તોડીને ટેરેસ પર જઈ પડ્યું હતું. ટેરેસ પર કામ કરી રહેલા મુકેશગીરી આ સિલિન્ડરની અડફેટે આવી ગયા હતા, જેમાં તેમને પેટ તેમજ મોઢાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. અકસ્માત મોતનો ગુનો નોંધાયો ઘટનાને પગલે મકાન માલિક અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવકને ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ જિતેન્દ્રભાઈ રામસ્વરૂપ ગીરીએ સ્થાનિક પોલીસ મથકે સમગ્ર ઘટના અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →