એક ખાલી દારૂની બોટલ લાવશો તો રૂ.100 આપવામાં આવશે':જાહેરાતને પગલે કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું: 'વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ-દારૂના ધંધા થાય છે, એમને પકડો'
વડોદરા શહેરમાં કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસે
સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, એક ખાલી દારૂની બોટલ લાવશો તો રૂ.100 આપવામાં આવશે. જેને પગલે ગોરવા પોલીસે કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસ સામે ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેને પગલે વડોદરા શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપ યશવંતરાયે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન સોશિયલ મીડિયા નિરીક્ષણ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્વેજલ વ્યાસ નામના વ્યક્તિએ પોતાના ફેસબુક આઈ.ડી. “સ્વેજલ વ્યાસ” પરથી એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. વાયરલ કરાયેલા પોસ્ટરમાં “વડોદરાના તમામ બુટલેગર અને નાગરિકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું કે, એક ખાલી દારૂની બોટલ લાવશો તો રૂ.100 આપવામાં આવશે. જે શહેરમાં ખોટા દારૂના કેસ ઉભા થાય છે, ત્યાં હવે દારૂની ખાલી બોટલ પણ સત્ય બોલશે” જેવા લખાણ સાથે લોકોને તા. 19 મે, 2026ના રોજ સાંજે 5થી 6 વાગ્યા દરમિયાન વડોદરાના વ્યસ્ત ઝાંસીની રાણી સર્કલ ખાતે દારૂની ખાલી બોટલ સાથે એકત્ર થવા જાહેર આહ્વાન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ દ્વારા કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ખોટા પ્રોહિબિશન કેસ નોંધાયા હોવાની કોઈ આધારભૂત હકીકત અસ્તિત્વમાં નથી. તેમ છતાં સ્વેજલ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પાયાવિહોણા અને તથ્યવિહિન આક્ષેપો પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના કાર્યક્રમ માટે કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી લેવામાં આવી નહોતી. આ ઉપરાંત લોકોને ભેગા કરવા માટે બોટલ બદલ રૂ.100 આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ટ્રાફિકના પીક અવર્સ દરમિયાન શહેરના અગત્યના ચાર રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શક્યતા ઉભી થઈ હતી, જે ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ તેમજ સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરી શકે તેમ હતું. સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવી વડોદરા શહેર પોલીસ દળ પ્રત્યે જનમાનસમાં વૈમનસ્ય, ધૃણા અને દુર્ભાવના પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ગોરવા પોલીસે સ્વેજલ વ્યાસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 353(1)(બ) અને 353(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, સ્વેજલ વ્યાસે એક અનોખા કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, "ખાલી બોટલ આપી જાવ અને 100 રૂપિયા લઈ જાવ. આ જાહેરાત થતાં જ ગોરવા પોલીસ અને વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સ્વેજલ વ્યાસના ઘરે જઈને તેમની અટકાયત કરી લીધી હતી અને કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું પોલીસના ઉચ્ચ અધિકારીઓને અને ગોરવા પોલીસના આગેવાનોને સ્પષ્ટ કહેવા માંગું છું કે, સ્વેજલ વ્યાસની પાછળ આખો કોંગ્રેસ પક્ષ ઊભો છે. આ પહેલાં આશિષ જોશી સાથે પણ જિલ્લાની પોલીસ અને સંખેડા પોલીસે ગેરવર્તણૂક કરી હતી. આજે પરિસ્થિતિ એવી છે કે, બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જો સ્વેજલ વ્યાસ સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં આવી હશે, તો ચોક્કસપણે વડોદરાના પોલીસ કમિશનરને આ અંગે રજૂઆત કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, આ ખરેખર નવાઈની વાત છે કે માત્ર ખાલી બોટલની વાત કરવામાં આવી, તો આખું વડોદરાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું! પરંતુ જે બુટલેગરો ભરેલી બોટલો સાથે ગેરકાયદેસર ધંધા કરી રહ્યા છે, તેમના માટે આ પોલીસ ક્યારે ગંભીર થશે? જો કાયદો અને વ્યવસ્થા બગડશે અને દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, તો તેની જવાબદારી પણ વડોદરા પોલીસની જ બને છે. તેઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ મુદ્દે ચોક્કસ રણનીતિ બનાવશે. અમે કેટલીક જગ્યાએ જોયું છે કે પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને કામ કરી રહી હોય! અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો પણ તપાસ કરી રહ્યા છે કે કઈ-કઈ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. અમારી પોલીસ તંત્રને એટલી જ વિનંતી છે કે, જેટલી સ્ફૂર્તિ તમે આશિષ જોશી કે સ્વેજલ વ્યાસ સામે વાપરી છે, તેટલી જ સ્ફૂર્તિ બુટલેગરો અને આવા ગેરકાયદેસર ધંધા કરનારાઓને પકડવામાં પણ બતાવો.
Read Original Article →