'દારૂની ખાલી બોટલ લઈ આવો, 100 રૂપિયા લઈ જાવ':આવી જાહેરાત કરતા ગોરવા પોલીસે કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસની અટકાયત કરી, કહ્યું: વડોદરામાં રોજ લાખોની સંખ્યામાં દારૂની બોટલો બહાર આવે છે.
વડોદરા શહેરના વોર્ડ નંબર-15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીને દારૂના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેમના સમર્થક સ્વેજલ વ્યાસે પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમની જાહેરાત કરી છે. આશિષ જોષીના જન્મદિવસ નિમિત્તે ખાસ જાહેર ઓફર જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના તમામ બુટલેગર તેમજ નાગરિકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાહેર કરાયેલા સંદેશામાં જણાવાયું છે કે, “ખોટા દારૂના કેસ ઊભા થાય છે, ત્યાં હવે દારૂની ખાલી બોટલ પણ સત્ય બોલશે.” આજે રોજ સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ઝાંસી રાણી સર્કલ ખાતે બૂટલેગરો અને લોકોને ખાલી દારૂની બોટલ લઈને આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. દરેક ખાલી બોટલ બદલ ₹100 આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ ગોરવા પોલીસે કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી. જેથી કોંગ્રેસ કેન્સલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે,
આજે અમારા મોટાભાઈ આશિષભાઈ જોશીનો જન્મદિવસ છે. તેમના પર સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂ મંગાવવાની કે તેની હેરાફેરી કરવાની ખોટી ફરિયાદો નોંધવામાં આવી હતી. જે અંતર્ગત મેં જાહેરાત કરી હતી કે, વડોદરા શહેરમાં ઝાંસી રાણી સર્કલ પાસે જે પણ વ્યક્તિ દારૂની ખાલી બોટલ લઈને આવશે, તેને હું 100 આપીશ. હું આ માટે પૈસા લઈને જ નીકળ્યો હતો, પરંતુ આ પ્રોગ્રામ શરૂ થાય તે પહેલા જ વડોદરા પોલીસ દ્વારા અચાનક મારી અટકાયત કરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પોલીસે સમજાવવામાં આવ્યો હતો કે, આ ઘટના બીજા જિલ્લા કે, બીજા પોલીસ સ્ટેશનની છે. તો તેનાથી વડોદરા શહેરની પોલીસનું નામ કેમ ખરાબ થાય? અમે વડોદરા શહેરની પોલીસની રિસ્પેક્ટ કરીએ છીએ. પરંતુ, જે અધિકારીઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીના હાથો બનવા માટે અગ્રેસર રહે છે, તેમને અમે કહીએ છીએ કે આવું ના કરશો. વડોદરા શહેરની જનતાને પોલીસ પર ઘણો વિશ્વાસ છે.
તેઓએ ઉમેર્યું હતું કે, અમને પણ નથી ગમતું કે આવી રીતે ગલીએ-ગલીએ દારૂ મળે છે. નાના-નાના છોકરાઓ આના આદિ થાય છે અને છોકરીઓ પણ હોમ ડિલિવરી ફ્રીમાં કરે છે. આખા વડોદરામાં રોજ હજારો-લાખોની સંખ્યામાં દારૂની બોટલો બહાર આવતી હોય છે. અમારો ટાર્ગેટ આજે 10 હજારથી વધુ દારૂની બોટલ એકત્રિત કરવાનો હતો અને તે માટે અમે 1 લાખ રૂપિયા લઈને ફરતા હતા, જેથી પ્રત્યેક બોટલ દીઠ 100 રૂપિયા લેખે ચૂકવી શકાય. જે સંદર્ભે મારી અટકાયત થઈ, જેનો હું સખત વિરોધ કરું છું. તેઓએ કહ્યું કે, આશિષભાઈ જોશી ભારતીય જનતા પાર્ટી સામે લડીને જનહિતમાં પબ્લિકના વોટથી જીત્યા છે. આવા સંજોગોમાં ભાજપના અમુક નેતાઓ વેરઝેર રાખીને ખોટી ફરિયાદો કરાવે છે, ત્યારે આ મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. હાલ પૂરતો આ પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે, પરંતુ આવનાર સમયમાં ગુજરાતની તમામ પોલીસને વિનંતી છે કે, તેઓ રાજકીય હાથો ન બને. જો આવું થશે, તો કોંગ્રેસ પાર્ટી અને સત્તા સામે લડતા લોકો આનો જાહેરમાં સખત વિરોધ કરશે. આગામી સમયમાં જે જિલ્લામાં આ ફરિયાદ થઈ છે, ત્યાં આનાથી પણ મોટો પ્રોગ્રામ કરવાનું આયોજન અમે આજથી જ શરૂ કરીએ છીએ.
Read Original Article →