વોલેટના નંબર બદલીને 51 ફ્લાઇટ, બસ, હોટેલ બુકિંગ કરી નાંખ્યા:વડોદરાની ઝાયડેક્ષ ઇન્ડસ્ટ્રીઝ સાથે રૂ.5.98 લાખની ઠગાઈ, શંકાસ્પદ ઈ-મેઈલથી ભાંડો ફૂટ્યો
વડોદરાની કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ઝાયડેક્ષ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના મેક માય ટ્રીપના વૉલેટમાં અજાણ્યા શખ્સોએ અનધિકૃત રીતે પ્રવેશ મેળવી મોબાઇલ નંબર બદલી નાખ્યા બાદ 51 જેટલા ફ્લાઇટ, બસ અને હોટેલ બુકિંગ કરીને રૂ. 5.98 લાખથી વધુની સાયબર ઠગાઈ આચરતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે કંપનીના ડેપ્યુટી મેનેજરે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મેક માય ટ્રીપના કોર્પોરેટ વૉલેટમાંથી 51 ફ્લાઇટ, બસ અને હોટેલ બુકિંગ કર્યું
વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવકે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગોત્રી-સેવાસી રોડ સ્થિત ઝાયડેક્ષ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.માં આઈટી વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે છેલ્લા ફરજ બજાવે છે. કંપની પાસે મેક માય ટ્રીપનું કોર્પોરેટ વૉલેટ હતું, જેમાં રૂ. 10 લાખ સુધીની ટ્રાન્ઝેક્શન મર્યાદા હતી. જૂના એકાઉન્ટ સંબંધિત બુકિંગના ઈ-મેઈલ નવા ઈ-મેઈલ પર ફોરવર્ડ થતા
શરૂઆતમાં આ વૉલેટ કંપનીના info@zydexindustries.com ઈ-મેઈલ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે સંકળાયેલું હતું. ત્યારબાદ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ નંદુ સાજીનો મોબાઇલ નંબર વૉલેટમાં રજિસ્ટર કરવામાં આવ્યો હતો, જેના પર OTP મળતા હતા. પછી કંપનીનું ડોમેઈન બદલાતા મેક માય ટ્રીપ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જોકે જૂના એકાઉન્ટ સંબંધિત બુકિંગના ઈ-મેઈલ નવા ઈ-મેઈલ આઈડી પર ફોરવર્ડ થતા હતાં. ચકાસણી કરતાં આવા કોઈ બુકિંગ કરાવ્યા ન હોવાનું સામે આવ્યું
ગત 27 નવેમ્બર, 2024ના રોજ કંપનીના સર્વર લોગ ચેક કરતી વખતે શંકાસ્પદ બુકિંગ સંબંધિત ઈ-મેઈલ જોવા મળ્યા હતા. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે કંપની સાથે કોઈ સંબંધ ન ધરાવતા વ્યક્તિઓના નામે ફ્લાઇટ, બસ અને હોટેલ બુકિંગ કરવામાં આવ્યા હતા. કંપનીના કર્મચારીઓ પાસે ચકાસણી કરતાં આવા કોઈ બુકિંગ તેમણે કરાવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. 2 મોબાઈલ નંબર કંપનીની જાણ બહાર વૉલેટમાં રજિસ્ટર કરાયા
ત્યારબાદ મેક માય ટ્રીપ પોર્ટલ પર તપાસ કરતાં કુલ 51 ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા, જે કંપની દ્વારા કરવામાં આવ્યા ન હતા. આ તમામ ટ્રાન્ઝેક્શન મારફતે કંપનીના વૉલેટમાંથી કુલ રૂ. 7,03,827ના બુકિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. કંપનીએ મેક માય ટ્રીપનો સંપર્ક કરતાં પ્રાપ્ત માહિતી મુજબ 14 નવેમ્બર, 2024 અને 15 નવેમ્બર, 2024ના રોજ 2 મોબાઈલ નંબર કંપનીની જાણ બહાર વૉલેટમાં રજિસ્ટર કરવામાં આવ્યા હતાં. રૂ. 5.98 લાખથી વધુની સાયબર ઠગાઈ, 4 સામે ગુનો નોંધાયો
કંપનીની તપાસમાં જાણવા મળ્યું કે, અજાણ્યા વ્યક્તિએ કંપનીના મેક માય ટ્રીપના વૉલેટમાં લોગિન કરી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી નાખ્યા હતા અને ત્યારબાદ વિવિધ બુકિંગ કરીને નાણાં ઉપાડી લીધા હતા. કુલ 51 ટ્રાન્ઝેક્શન પૈકી 11 બુકિંગ કેન્સલ થતાં તેની રકમ વૉલેટમાં પરત મળી હતી. જોકે બાકીના ટ્રાન્ઝેક્શનમાં કંપનીને કુલ રૂ. 5,98,430નું નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →