માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની આજે પ્રાર્થનાસભા:નવલખી મેદાનમાં CM ભૂપેન્દ્ર પટેલ અને મેનકા ગાંધી સહિતના રાજકીય આગેવાનો આપશે શ્રદ્ધાંજલિ

Gujarat6/7/2026, 7:00:36 AM
માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની આજે પ્રાર્થનાસભા:નવલખી મેદાનમાં CM ભૂપેન્દ્ર પટેલ અને મેનકા ગાંધી સહિતના રાજકીય આગેવાનો આપશે શ્રદ્ધાંજલિ
વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ સમગ્ર રાજ્ય અને શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ લોકનેતાના આત્માની શાંતિ અર્થે આજે (7 જૂન) સાંજે વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોકસભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સ્વ. યોગેશ પટેલ જેમને પોતાની બહેન માનતા હતા, તેવા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ખાસ ઉપસ્થિત રહેશે. સાંજે 4થી 7 વાગ્યા સુધી યોજાશે શ્રદ્ધાંજલિ સભા ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત 2 જૂનના રોજ નિધન થયું હતું અને 4 જૂનના રોજ તેમના પાર્થિવ શરીરને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યું હતું. તેમની અંતિમક્રિયામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ જોડાયા હતા. ત્યારબાદ આજે સાંજે 04:00થી 07:00 વાગ્યા દરમિયાન નવલખી મેદાન ખાતે આ શોકસભા યોજાશે. આ પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના ટોચના રાજકીય આગેવાનો, મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ વડોદરાના નાગરિકો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ગરમી અને વરસાદથી બચવા મેદાન પર વિશાળ AC ડોમ તૈયાર કરાયો પ્રાર્થના સભામાં ઉમટનારી જનમેદની અને વીવીઆઈપી મહાનુભાવોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નવલખી મેદાન પર તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલની ઉનાળાની ઋતુ, કાળઝાળ ગરમી અને બદલાતા વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને મેદાન પર એક વિશાળ વોટરપ્રૂફ અને એર-કંડિશનર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શ્રદ્ધાંજલિ આપવા આવનાર લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.
Read Original Article →