અક્ષર ચોક પાસે કાર ડિવાઈડર કૂદી થાંભલામાં અથડાઈ:એરબેગ ખુલતા ચાલકનો આબાદ બચાવ, અકસ્માત સર્જી ચાલક ફરાર; નશામાં હોવાની આશંકા

Gujarat5/16/2026, 10:37:28 AM
અક્ષર ચોક પાસે કાર ડિવાઈડર કૂદી થાંભલામાં અથડાઈ:એરબેગ ખુલતા ચાલકનો આબાદ બચાવ, અકસ્માત સર્જી ચાલક ફરાર; નશામાં હોવાની આશંકા
વડોદરા શહેરના અક્ષર ચોક વિસ્તારમાં 15 મેની રાત્રે એક વિચિત્ર અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અક્ષર ચોક નજીકથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક જ પોતાના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવ્યા બાદ પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. વીજળીના થાંભલા સાથે ધડાકાભેર ટક્કર કારની ઝડપ એટલી વધારે હતી કે તે ડિવાઈડર પાર કરીને ત્યાં લગાવેલા વૃક્ષ અને વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ જોરદાર ટક્કરને કારણે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સેફ્ટી એરબેગ બન્યા જીવનરક્ષક, ચાલક નશામાં હોવાની આશંકા આ અકસ્માતગ્રસ્ત કાર GJ-01-KT-1425 નંબરની અને ટેક્સી પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર એટલી ભયાનક હતી કે જોતજોતામાં કારનો કુરચો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે કારની અંદર રહેલી સેફ્ટી એરબેગ્સ સમયસર ખુલી ગઈ હતી. એરબેગ ખુલી જવાના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. જોકે, અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરથી ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ક્રેન વડે કાર હટાવી તપાસ શરૂ કરી આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ જેપીરોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નડતરરૂપ બનેલી અકસ્માતગ્રસ્ત કારને ક્રેનની મદદથી ડિવાઈડર ઉપરથી હટાવીને પોલીસ સ્ટેશને ખસેડી હતી. જેપીરોડ પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →