કાર એસેસરીઝના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત:'મૂડી સાથે વ્યાજ ચૂકવવા છતા રૂપિયા માંગવામાં આવતા', વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાંનો મૃતકના ભાઈનો આક્ષેપ

Gujarat4/9/2026, 9:12:33 AM
કાર એસેસરીઝના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત:'મૂડી સાથે વ્યાજ ચૂકવવા છતા રૂપિયા માંગવામાં આવતા', વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાંનો મૃતકના ભાઈનો આક્ષેપ
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીએ આપઘાત કર્યો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાર એસેસરીઝનો વેપાર કરતા અને વેપારીએ 8 એપ્રિલની રાત્રે દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં ગળેફાંસો ખાઈ વેપારીનો આપઘાત શહેરના હુજરત પાગા વિસ્તારમાં નીતિન શાહ કલકત્તા કાર એસેસરીઝ નામની દુકાન ચલાવતા હતા. જેમણે ગત રાત્રે પોતાની જ દુકાનમાં ગળેફાસો ખાઈ જીવંત ટૂંકાવ્યું હતું. આ બનાવને લઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો:મૃતકના ભાઈ આ બનાવ અંગે મૃતકના ભાઈ દીપેશ શાહે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મારા ભાઈએ આ પગલું ભર્યું છે. ખોટા હિસાબો માંગી કેટલાક લોકો વ્યાજ વસૂલવા માટે વારંવાર પરેશાન કરતા હતા. મૂડી સાથે વ્યાજ ચૂકવવા છતાં હજુ વ્યાજ માંગે છે. કેટલાક વ્યક્તિઓએ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરતા તમામ વ્યક્તિઓના નામ પણ મે પોલીસને આપ્યા છે. પોલીસ કમિશનરને મારી વિનંતી છે કે આ વ્યાજખોર સામે કડક પગલા ભરવામાં આવે. આ મામલે કારેલીબાગ પોલીસ મથકના તપાસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે.
Read Original Article →