રાવપુરા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકરનો હાઈવોલ્ટેજ ડ્રામા:29 લાખની બેંક લોન ન ભરતા પાદરાના ભાજપ કાર્યકર જગદીશ પટેલની ફોર્ચ્યુનર કાર જપ્ત
વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથકમાં એક જોરદાર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પાદરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે વૈભવી કાર ખરીદ્યા બાદ તેની બેન્ક લોનના નિયમિત હપ્તા ભરપાઈ કર્યા ન હતા. લાંબા સમય સુધી લોનની રકમ ન ચૂકવાતા આખરે બેન્ક સત્તાવાળાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમની કિંમતી કાર જપ્ત કરી લેવામાં આવી હતી. આ જપ્તીની પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં નેતાજી અને બેન્કના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. 29 લાખની લોનની રકમ 34 લાખને વટી ગઈ
પાદરાના ભાજપ કાર્યકર જગદીશ પટેલે બેન્કમાંથી રૂ. 29 લાખની મોટી રકમની લોન લઈને આ ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. જો કે, કાર લીધા બાદ તેમણે લોનની ભરપાઈ કરવામાં ઘોર બેદરકારી દાખવી હતી. સમય જતાં મૂળ રકમ પર વ્યાજ ચઢતા ચઢતા આ આખી રકમ અંદાજે રૂ. 34 લાખ જેટલી મોટી થઈ ગઈ હતી. વારંવારની નોટિસ અને જાણ કરવા છતાં પણ જગદીશ પટેલ દ્વારા આ લેણાંની રકમ ચૂકવવામાં ન આવતા બેન્કે આખરે કડક વલણ અપનાવ્યું હતું અને તેમની ગાડી સીઝ કરીને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. ભાજપના કાર્યકર અનેક બેંકમાં ડિફોલ્ટર
આ સમગ્ર મામલે બેન્ક ઓફ બરોડાના મેનેજર હિરેન કોટડીયાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જગદીશ પટેલ માત્ર આ એક જ લોનમાં નહીં, પરંતુ અન્ય અનેક બેન્કોમાં પણ ડિફોલ્ટર જાહેર થયેલા છે. તેમની સામે અગાઉ પણ નાણાકીય અનિયમિતતાના કિસ્સાઓ બનેલા છે. અનેક બેંકો પાસેથી લોન લીધા બાદ તેઓએ ભરપાઈ કરી નથી. બેંકો દ્વારા તેઓને નોટિસ ઉપર નોટિસ આપવામાં આવે છે પરંતુ તેઓ ટસના મસ થતા નથી, પોલીસ સ્ટેશન આવ્યા બાદ નેતાજી સત્તાના નશામાં ચૂર જોવા મળ્યા
બીજી તરફ, જ્યારે આ મામલે જગદીશ પટેલ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા, ત્યારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેઓ સત્તાના નશામાં ચૂર જોવા મળ્યા હતા. પોલીસ સ્ટેશન જેવા જાહેર સરકારી સ્થળે પણ તેમનો રાજકીય રુઆબ અને તોછડું વર્તન અકબંધ રહ્યું હતું, જેને જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં આ હાઈવોલ્ટેજ ડ્રામા સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
Read Original Article →