'સ્થાનિકને ટિકિટ ન મળે તો મજૂરી કરવાની?':વોર્ડ-18માં ભાજપના ‘આયાતી’ ઉમેદવારોને ટિકિટ આપતા સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ, પરિવારવાદના આક્ષેપ સાથે રાજીનામાની ચીમકી
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18માં ભાજપ દ્વારા બે 'આયાતી' ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવાર ચેતન પરમાર અને દીપા પંચાલની પસંદગી સામે દાવેદારો અને કાર્યકરોએ પરિવારવાદનો આક્ષેપ કરી સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ અસંતોષને પગલે મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા માટે ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. અમારા વોર્ડના બદલે બહારની વ્યક્તિને અહીં મૂકી દીધી
દાવેદાર માધુરીબેન ચિત્તેએ જણાવ્યું હતું કે, નારાજગી એ જ છે કે, અમારા વોર્ડમાંથી ટિકિટ નથી આપી. અમે છેલ્લા 15 વર્ષથી દિલથી પાર્ટી માટે કામ કરીએ છીએ. ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો છે, રાત-દિવસ જોયા નથી, પરિવારને પણ સમય નથી આપ્યો અને માત્ર પાર્ટી માટે જ મહેનત કરી છે. છતાં પણ પાર્ટી અમારા વોર્ડના બદલે બહારની કોઈ નવી વ્યક્તિને લાવીને અહીં મૂકી દે છે, જે અમે નહીં ચલાવી લઈએ. શું અમારા વોર્ડમાં કોઈ સક્ષમ કાર્યકર નહોતા? કેમ બહારના લોકોને અહીં લાવવામાં આવ્યા? 'પરિવારવાદ' કરીને તેમને ઉપરથી લાવવામાં આવ્યા
ઓબીસી (OBC) મોરચાના દીપાબેન પંચાલ છે. તેઓ પહેલા બીજા વોર્ડમાં રહેતા હતા. જેવી ટિકિટો જાહેર થવાની શક્યતા દેખાઈ ત્યારથી જ તેઓએ અહીં બધું શિફ્ટ કરી દીધું અને હવે તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ મહામંત્રી કિરણભાઈ પંચાલના સબંધી છે. અમને તો એવું જ લાગે છે કે આ 'પરિવારવાદ' કરીને તેમને ઉપરથી લાવવામાં આવ્યા છે. અમે આ સહન નહીં કરીએ. અમે આટલી મહેનત કરી છે છતાં પણ એ બેનને અમે ક્યારેય જોયા નથી. બીજા વોર્ડના લોકો અહીં ચૂંટણી લડે તે માન્ય નથી
તેઓએ કહ્યું કે, યોગેશ કાકાએ (MLA યોગેશ પટેલ) પણ અમને કહ્યું હતું કે જો બહારની વ્યક્તિઓ આવશે તો વિરોધ થશે. એસસી (SC) અને ઓબીસી (OBC) મોરચામાં પણ આવી રીતે બહારના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ઓબીસી અને એસસી મોરચાના બંને ઉમેદવારો બહારના છે. 7000 મતદારોનું મેનેજમેન્ટ મારા હાથમાં હતું
અમે કાર્યાલય જઈશું અને અમારા પ્રભારી જયપ્રકાશભાઈ સોની સાથે વાત કરીશું. આ નિર્ણય અમને મંજૂર નથી. હું પોતે તો રાજીનામું આપીશ જ, પણ મારી સાથે એસસી અને ઓબીસી મોરચાના કેટલા લોકો રાજીનામાં આપશે તેની મને અત્યારે ખબર નથી. મારી પાસે 7 બૂથની જવાબદારી હતી, એટલે કે 7000 જેટલા મતદારોનું મેનેજમેન્ટ મારા હાથમાં હતું. આટલું કામ દિલથી કર્યું હોય અને પછી આવું થાય તો ખૂબ દુઃખ થાય છે. વોર્ડમાં સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ મળવી જોઈએ
દાવેદાર અરુણ મકવાણાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 18માં આજે જે ઉમેદવારોની જાહેરાત થઈ છે તેના વિશે મારે એટલું જ કહેવું છે કે જ્યારે વોર્ડના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન થયું હતું, ત્યારે અમારા વિસ્તારના અને માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સ્પષ્ટ કીધું હતું કે વોર્ડમાં સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ મળવી જોઈએ. જો સ્થાનિક ઉમેદવાર હોય તો જ પ્રજાની રજૂઆત યોગ્ય રીતે થાય અને કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરી શકે. શું કાર્યકર્તાઓએ ફક્ત મજૂરી જ કરવાની?
આજે તેનાથી સાવ ઉલટું થયું છે. અહીં 'આયાતી' ઉમેદવારો આવ્યા છે, જેમ કે કેતનભાઈ પરમાર અને દીપાબેન પંચાલ અમને ટિકિટ મળી તેનો વાંધો નથી પણ અમારી ઉગ્ર રજૂઆત એ જ છે કે સ્થાનિક કાર્યકર્તાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. જો સ્થાનિકને ટિકિટ ન મળે તો શું કાર્યકર્તાઓએ ફક્ત મજૂરી જ કરવાની? બહારના ઉમેદવાર આવે તો સંગઠને સાથે મળીને વિરોધ કરવો
મેં દાવેદારી કરી હતી. હું 2006થી સતત સક્રિય કાર્યકર રહ્યો છું. મેં સંગઠનમાં મંત્રી અને ઉપપ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તેમાં સ્થાનિક કાર્યકરને તક મળે તેવી અમારી લાગણી છે. યોગેશ કાકાએ ત્યારે પણ કીધું હતું કે જો બહારના ઉમેદવાર આવે તો સંગઠને સાથે મળીને વિરોધ કરવો. આજે અમે એ જ વિરોધ નોંધાવી રહ્યા છીએ. પરિવાર મોટો હોય તો ક્યારેક અમુક બાબતે નારાજગી હોઈ શકે
વોર્ડ નંબર 18ના ભાજપના ઉમેદવાર કેતન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો, આદરણીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. ફરી એકવાર જનતાની સેવા કરવાનો જે મોકો મને આપવામાં આવ્યો છે, તે બદલ હું સર્વેનો ખૂબ આભાર માનું છું. આગામી પાંચ વર્ષ એટલે કે નવી ટર્મ માટે અમે નવી દિશા અને નવા કામો સાથે હરહંમેશ પ્રજાની સેવામાં કાર્યરત રહીશું. શહેર અને વિસ્તારના વિકાસના કામોને વધુ વેગ આપવો એ જ અમારું લક્ષ્ય રહેશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક પરિવારની જેમ છે. જ્યારે મોટો પરિવાર હોય ત્યારે ક્યારેક કોઈ બાબતે થોડી નારાજગી હોઈ શકે, તે સ્વાભાવિક છે પરંતુ, અંતે તો અમે બધા ભાઈઓ જેવા જ સંબંધો ધરાવીએ છીએ અને તમામ કાર્યકર્તાઓ પક્ષના હિતમાં અમારી સાથે જ છે.
Read Original Article →