ડહોળા કાળા કલરના પાણીથી છાણી, નવાયાર્ડ અને નિઝામપુરાના સ્થાનિકો ત્રસ્ત:સ્થાનિક ભુપેન્દ્ર પટેલે કહ્યું, વિશ્વામિત્રીમાં કંઈ કામ થયું નથી; 'પાર્કિંગની વ્યવસ્થા નથી, ઘૂંટણસમા પાણી ભરાય છે'

Gujarat4/11/2026, 12:30:00 AM
ડહોળા કાળા કલરના પાણીથી છાણી, નવાયાર્ડ અને નિઝામપુરાના સ્થાનિકો ત્રસ્ત:સ્થાનિક ભુપેન્દ્ર પટેલે કહ્યું, વિશ્વામિત્રીમાં કંઈ કામ થયું નથી; 'પાર્કિંગની વ્યવસ્થા નથી, ઘૂંટણસમા પાણી ભરાય છે'
વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વડોદરાના વોર્ડ નં. 1ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 1નો ચિતાર મેળવવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી અને વોર્ડના રહિશો સાથે વિસ્તારની સમસ્યાઓ જાણી હતી. પાણી ડહોળું અને કાળા કલરથી સ્થાનિકોમાં ત્રસ્ત વોર્ડ નં. 1 એ વડોદરાનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. આ વોર્ડમાં ગત ટર્મમાં ચારેય કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતાં. આ વોર્ડમાં છાણી ગામ, નવાયાર્ડ અને નિઝામપુરાનો મોટા ભાગનો વિસ્તાર આવે છે. આ વોર્ડમાં મુખ્યત્વે પીવાના પાણીની સમસ્યા છે. મહીસાગર નદીમાંથી જીએસએફસી થઈને પાણી અહીંથી જ શહેરમાં પ્રવેશે છે, છતાં લોકોને પૂરતા દબાણ સાથે પાણી મળતું નથી. આ વોર્ડમાં દુષિત પાણીની સમસ્યા એ મોટો પ્રશ્ન છે. અવારનવાર લોકો દ્વારા દુષિત પાણીના મુદ્દે રજૂઆત કરવામાં આવે છે. કેટલાય વિસ્તારમાં પાણી ડહોળું અને કાળા કલરનું આવે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે,પાર્કિંગની વ્યવસ્થા નથી, ઘૂંટણસમા પાણી ભરાય છે અને અનેક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાઓનું કંઈ પણ નિરાકરણ આવ્યું નથી. 'વિશ્વામિત્રીમાં કંઈ કામ થયું હોય તેમ દેખાતું નથી' અન્ય એક રહીશ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે જે ચોમાસામાં ભૂખી કાંસના કારણે પાણી ભરાઈ ગયા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકારે 1200 કરોડ ફાળવ્યા છે. પરંતુ તેમાંથી 120 કરોડ વપરાયા છે. જો કે કંઈ કામ થયું હોય તેમ દેખાતું નથી. અને સમસ્યા ઠેરની ઠેર રહે તેમ લાગે છે. આ લોકલ ઈલેક્શન છે એટલે જે લોકો સ્થાનિક કક્ષાએ કામ કરશે તેને જ મત આપીશું. આમ કોઈ પાર્ટી મહત્વની નથી. 'ચોમાસામાં અનેક સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાય છે' સ્થાનિક વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, આ વોર્ડ જુના વોર્ડ 7માં સમાવિષ્ટ હતો. તેમાં 1989થી ઓરમાયું વર્તન થઇ રહ્યું છે. હાલમાં ચોમાસામાં અનેક સ્થળોએ પાણીનો ભરાવો થઈ જાય છે. ગત વર્ષે જે પૂર આવ્યું ત્યારે મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી હતાં. આ અંગે વારંવારની રજૂઆત થઇ છે છતાં કોઈ નિરાકરણ નથી. 'મુખ્ય માર્ગ પર પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી' સ્થાનિક અનિલ શાહે જણાવ્યું હતું કે, આ વોર્ડમાં મુખ્ય માર્ગ આવેલો છે. પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. આડેધડ પાર્કિંગ થવાના કારણે રસ્તા ઉપર ચાલવું અઘરું બની જાય છે. સિનિયર સીટીઝન માટે તો પીક અવર્સમાં ક્યાં ચાલવું તે સમસ્યા છે. અહીં લારીઓ પણ ગમે ત્યાં મૂકી દેવામાં આવે છે. કોર્પોરેશને તેના માટે અલગ જગ્યા ફાળવવી જોઈએ. 'પાણીની મોટામાં મોટી સમસ્યા છે' સ્થાનિક રહીશ ભરત અમીને જણાવ્યું હતું કે, અહીં પાણીની મોટામાં મોટી સમસ્યા છે. હું અહીં આ વિસ્તારમાં રહેવા આવ્યો ત્યારે ત્રીજા માળે પણ મોટર ચલાવ્યા વગર પાણી ચઢતું હતું. ત્યાર બાદ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાણી આવતું થયું અને હવે તો એવી હાલત છે કે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પણ પાણી પડતું નથી. 'આ વિસ્તારમાં ભૂખી કાંસ માટેની વર્ષો જૂની સમસ્યા' આ વોર્ડમાં ગત ટર્મમાં જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભૂખી કાંસ માટેની વર્ષો જૂની સમસ્યા છે. ભાજપના સત્તાધીશોએ તેઓના લાગતા વળગતાઓને ફાયદો કરાવવા માટેના પ્રયાસ કર્યા છે. સ્થાનિકો ક્યાં ઉમેદવારોની પસંદગી કરશે તે જોવું રહ્યું સ્થાનિક રહીશોની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો કે જેઓ વિપક્ષમાં છે તેઓ દ્વારા પણ અવારનવાર અવાજ ઉઠાવવામાં આવે છે. પરંતુ આ સમસ્યાનું હાલ તો કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આગામી સમયમાં આ વોર્ડના લોકોની સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ તે જોવું રહ્યું. ઉપરાંત પ્રજા પણ આ વખતે પોતાના સ્થાનિક ઉમેદવારોને કયા મુદ્દાઓને ધ્યાને લઈને પસંદગી કરશે તેના પર સૌની નજર છે.
Read Original Article →